
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય યુવાનોની બળજબરીથી ભરતી કરવાના આરોપો પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે રશિયામાં રહેતા ભારતીય યુવાનોને આ યુદ્ધથી દૂર રહેવાની અપીલ કરી હતી. ભારત સરકારે કહ્યું કે ભારતીય યુવાનોએ રશિયામાં લશ્કરી સેવાઓમાં જોડાવું જોઈએ નહીં અને સંઘર્ષથી દૂર રહેવું જોઈએ. ભારતીય નાગરિકોના રશિયન સૈન્યમાં જોડાવાના અને સંઘર્ષના વિસ્તારોમાં તૈનાત હોવાના અહેવાલો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક ભારતીય નાગરિકો સહાયક હેતુઓ માટે રશિયન સેનામાં જોડાયા છે.
તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસના અધિકારીઓ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે જેથી તેઓને આ સેવાઓમાંથી જલ્દી મુક્ત કરવામાં આવે. જયસ્વાલે કહ્યું, ‘અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા ભારતીય યુવાનો રશિયન સેનામાં કામ કરી રહ્યા છે. આ લોકોને યુદ્ધ મોરચે રાખવામાં આવ્યા છે અને તેમને સુરક્ષા સહાયક તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.