
PM મોદીએ સ્વીકાર્યું ઈટાલીનું આમંત્રણ જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ ઈટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે
ઈટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બુધવારે સાંજે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાતને તેમણે ખૂબ જ સકારાત્મક અને લાભદાયી ગણાવી હતી.
આ બેઠક દરમિયાન, તજાનીએ પીએમ મોદીને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વતી ૨૦૨૬માં ઈટાલીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
તજાનીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ઈટાલીના પ્રવાસ માટે સહમતી આપી છે, જાેકે તેની તારીખ હજી નક્કી થઈ નથી.
વિદેશ મંત્રી તજાનીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત-ઈટાલીના સંબંધો હવે નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે અને આવનારા વર્ષોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે. ભારત અને ઈટાલી એકબીજાના ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને આગામી સમય બંને દેશો માટે ઉત્તમ તકો લઈને આવશે.
જ્યારે પત્રકારોએ તેમને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ભારત મુલાકાતની તારીખ વિશે પૂછ્યું, ત્યારે વિદેશ મંત્રી તજાનીએ જવાબ આપ્યો કે તેમણે હજી સુધી એ નક્કી કર્યું નથી કે મેલોની ૨૦૨૬માં ક્યારે ભારત આવશે.
મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ઔદ્યોગિક સહયોગ, સાંસ્કૃતિક જાેડાણ, વેપાર, ટેક્નોલોજી અને રાજદ્વારી ભાગીદારી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.
તજાનીએ ખાસ ભાર મૂક્યો કે રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતને આગળ વધારવા માટે ભારત અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેમના મતે, વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ આ પ્રયાસમાં સહાયક બની શકે છે.




