
International News:યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગોલિયા પહોંચી ગયા છે. ફેબ્રુઆરી 2022 માં યુદ્ધ શરૂ થયા પછી પુતિન ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ના સભ્ય દેશની મુલાકાતે આ પ્રથમ વખત છે. ICCએ ગયા વર્ષે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. પુતિનની મંગોલિયાની મુલાકાતે ફરી એકવાર તેમની ધરપકડની માંગણીઓ ઉભી થઈ છે. જોકે, ક્રેમલિને પુતિનની ધરપકડની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે પુતિનની મુલાકાતને લઈને તે સંપૂર્ણ વિશ્વાસમાં છે. દરમિયાન, મંગોલિયામાં પુતિનનું ભવ્ય સ્વાગત જોઈને યુક્રેન ગુસ્સે છે. તેણે મંગોલિયા પર પુતિનના યુક્રેનમાં નરસંહારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
વ્લાદિમીર પુટિન 1939 માં જાપાની દળો પર સોવિયેત અને મોંગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની વર્ષગાંઠ નિમિત્તે મંગળવારે એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ સત્તાવાર મુલાકાત દરમિયાન પુતિન મોંગોલિયન નેતા ઉખ્ના ખુરેલસુખ સાથે પણ મુલાકાત કરશે. લગભગ 18 મહિના પહેલા ICC દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ ICCના સભ્ય દેશની પુતિનની આ પ્રથમ મુલાકાત છે. મંગોલિયા ICCનું સભ્ય છે અને આ કોર્ટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. ICCએ યુક્રેનમાં શંકાસ્પદ યુદ્ધ અપરાધોને લઈને પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.