
ચીન કુદરતી આફતોનો ભોગ બની રહ્યું છે. રેતીના વાવાઝોડાએ અહીં તબાહી મચાવી છે. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. અહીં અનેક વિસ્તારોમાં તોફાની પવનોએ એવી તબાહી મચાવી હતી કે બધું જ ધૂંધળું બની ગયું હતું. રસ્તા પર દોડતા વાહનો પણ દેખાતા ન હતા. રેતીના તોફાનની વિકરાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ પવનના કારણે અનેક વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા હતા. આ દરમિયાન કેટલાક વૃક્ષો પવનમાં ઉડતા પણ જોવા મળ્યા હતા. આખું આકાશ નારંગી થઈ ગયું. રેતીના તોફાનના કારણે શિનજિયાંગ પ્રાંતના વિવિધ ભાગોમાં હજારો લોકો ફસાયા હતા. જે બાદ પોલીસે લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
અનેક જગ્યાએ લોકો ફસાયા છે
બેઇજિંગ સ્થિત CGTN ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર રેતીના તોફાને તુર્પન, ઝિંજિયાંગમાં વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે રેતીના તોફાનને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે ઘણા પ્રવાસીઓ પણ રસ્તા પર ફસાયેલા હતા. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 17 ફેબ્રુઆરીની સવારે, હામી શહેર ધુમ્મસમાં ઢંકાયેલું હતું, જ્યારે આકાશ રેતી અને ધૂળથી ઢંકાયેલું હતું.