
અરબ દ્વીપકલ્પના સૌથી મોટા દેશ સાઉદી અરેબિયામાં દાયકાઓથી કડક સામાજિક અને ધાર્મિક નિયંત્રણનો લાંબો ઈતિહાસ રહ્યો છે, પરંતુ હવે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં દેશ એક નવી વાર્તા લખી રહ્યો છે. ઈસ્લામિક કટ્ટરવાદમાંથી બહાર આવીને સાઉદી અરેબિયામાં 72 વર્ષ બાદ પહેલીવાર દારૂની દુકાનો ખુલવા જઈ રહી છે. સાઉદી અરેબિયાએ તેની રાજધાની રિયાધમાં પ્રથમ દારૂની દુકાનને મંજૂરી આપી છે. બિન-મુસ્લિમ વિદેશી મહેમાનો અહીં દારૂ ખરીદી શકશે.
સાઉદી પ્રિન્સનું આ પગલું ઇસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીના આ દેશમાં પરિવર્તનની નવી ગાથા લખવા જઈ રહ્યું છે. થોડા મહિના પહેલા જ સાઉદી અરેબિયાએ મહિલાઓને કાર ચલાવવાની છૂટ આપી છે. આ સિવાય મહિલાઓને પુરૂષો સાથે કાર્યક્રમોમાં હાજરી આપવા, સિનેમા હોલમાં જવા અને ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક (EDM) શોમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે.