
દ્રશ્યો જાેઈ લોકો ચોંક્યા.સાઉદી અરેબિયામાં સ્નોફોલ! રણમાં છવાઈ બરફની ચાદર.તાબુક અને ટ્રોજેના હાઈલેન્ડ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર.જે દેશની ઓળખ આકરા ઉનાળા અને સળગતા રણ તરીકે થાય છે, તે સાઉદી અરેબિયા અને કતારમાં હાલ એક અદભૂત નજારો જાેવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના ઉત્તરીય પર્વતીય વિસ્તારો અને કતારના કેટલાક ભાગોમાં બુધવાર અને ગુરુવારે અચાનક હિમવર્ષા થતા પ્રદેશની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને તાબુક પ્રાંતના પર્વતો હવે હિમવર્ષાને કારણે ‘સ્નો વર્લ્ડ‘ જેવા દેખાઈ રહ્યા છે. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ જબલ અલ-લોઝ (બદામનો પર્વત) પર ભારે હિમવર્ષા થઈ છે. દરિયાઈ સપાટીથી આશરે ૨,૬૦૦ મીટરની ઊંચાઈ પર આવેલા આ પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર એટલા વાઈરલ થયા છે કે ઘણાં લોકો તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)દ્વારા બનાવેલા ફોટો ગણાવી રહ્યા છે. જાે કે, આ નજારો વાસ્તવિક છે અને તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે. સાઉદી અરેબિયાની સાથે પાડોશી દેશ કતારમાં પણ શિયાળાની મૌસમે આશ્ચર્ય સર્જ્યું છે. કતારના અનેક વિસ્તારોમાં પણ સ્નોફોલ અને હળવો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર મધ્ય પૂર્વના હવામાનમાં મોટો પલટો જાેવા મળ્યો છે.
નેશનલ સેન્ટર ફોર મેટિઓરોલોજી (NCM) એ આગામી દિવસોમાં રિયાધના ઉત્તરીય ભાગો, અલ-મજમાહ અને અલ-ઘાટ ગવર્નરેટમાં વધુ હિમવર્ષાની આગાહી કરી છે. નિષ્ણાતોના મતે, સાઉદીના ઉત્તરીય ભાગોમાં શિયાળામાં હિમવર્ષા થવી તે અસામાન્ય નથી. જાેકે તેની કોઈ ચોક્કસ ખગોળીય સાયકલ નથી, પરંતુ સમયાંતરે આવું જાેવા મળે છે. આ નજારો જાેવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ અલ-મજમાહ અને પર્વતીય વિસ્તારોમાં ઉમટી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા તેના ‘ટ્રોજાના‘ વિસ્તારને એક મોટા પર્વતીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે, જ્યાં ટ્રેકિંગ અને સ્કીઇંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલની હિમવર્ષા આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.




