
PM મોદીએ વ્યક્ત કરી ચિંતા.રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો.યુક્રેન દ્વારા મોસ્કોના પશ્ચિમ ભાગમાં આવેલા નોવગોરોડ વિસ્તારમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એકવાર ફરી તણાવ વધી ગયો છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે ૨૮ અને ૨૯ ડિસેમ્બરની રાત્રે યુક્રેન દ્વારા મોસ્કોના પશ્ચિમ ભાગમાં આવેલા નોવગોરોડ વિસ્તારમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે જણાવ્યું હતું કે, આ કથિત હુમલામાં કુલ ૯૧ લાંબા અંતરના ડ્રોનનો ઉપયોગ થયો હતો. તેમનો દાવો છે કે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ ડ્રોનનો ભાંગીને ભૂક્કો કરી દેવામાં આવ્યો હતો. રશિયાનો દાવો છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.
આ ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવાના સમાચારોથી ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં શાંતિની દિશામાં ચાલી રહેલા કૂટનીતિક પ્રયાસ જ સંઘર્ષને ખતમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે તમામ પક્ષોને અપીલ કરી કે શાંતિ પ્રયાસોને નુકસાન પહોંચાડે તેવા કોઈ પણ પગલાં લેતા ટાળવા જાેઈએ.
બીજી તરફ, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોએ આ કથિત ડ્રોન હુમલાને “રાજ્ય પ્રાયોજિત આતંકવાદ” ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી કે આવા બેદરકાર પગલાંનો યોગ્ય જવાબ આપવામાં આવશે અને રશિયન સશસ્ત્ર દળોએ જવાબી કાર્યવાહી માટેના લક્ષ્યો પણ નક્કી કરી લીધા છે.
જાેકે, રશિયાએ પોતાના આરોપોને સમર્થન આપતા કોઈ ઠોસ પુરાવા જાહેર કર્યા નથી.
યુક્રેને રશિયાના તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. યુક્રેનના કહેવા પ્રમાણે આ દાવા સંપૂર્ણપણે ખોટા છે અને શાંતિ વાટાઘાટોને પાટા પરથી ઉતારવા માટે કરવામાં આવી રહ્યા છે. યુક્રેનનું કહેવું છે કે રશિયા આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે આવા આક્ષેપો કરી રહ્યું છે.
આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિને તેમને ફોન પર આ કથિત હુમલાની માહિતી આપી હતી અને તેઓ આ ઘટનાને લઈને નારાજ છે. તેમ છતાં ટ્રમ્પે ફરી એકવાર આશા વ્યક્ત કરી કે રશિયા અને યુક્રેન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ કરાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો સમજૂતીની નજીક છે, જાેકે કેટલાક જટિલ પ્રાદેશિક મુદ્દાઓ હજી ઉકેલાવા બાકી છે.




