
આફ્રિકાના માલીમાં એક ગેરકાયદેસર સોનાની ખાણ ધરાશાયી થવાના કારણે 70 લોકોના મોત થયાના સમાચાર છે. દુર્ઘટના સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે. ખાણ ધરાશાયી થયા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
આફ્રિકન સરકારના નેશનલ ડિરેક્ટોરેટ ઑફ જીઓલોજી એન્ડ માઇનિંગના વરિષ્ઠ અધિકારી કરીમ બાર્થે બુધવારે એસોસિએટેડ પ્રેસને અકસ્માતની વિગતોની પુષ્ટિ કરી, તેને અકસ્માત ગણાવ્યો. જો કે અકસ્માતના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જ્યારે અકસ્માત શુક્રવારે થયો હતો ત્યારે મંગળવારે તેની માહિતી શા માટે આપવામાં આવી હતી.