
ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવ્યા અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ટ્રમ્પ અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવા ઈચ્છે છે. તેઓ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે. તેમનું માનવું છે કે, જાે દેશમાં આવા લોકો રહેશે તો માહોલ ખરાબ થશે. એટલું જ નહીં આવા લોકોના કારણે અમેરિકન લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ટ્રમ્પ માની રહ્યા છે, તેથી જ તેમણે ‘રાષ્ટ્રપ્રમુખને મળેલી સત્તાની કલમ’ને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને વિશ્વભરને ચેતવણી આપી દીધી છે.
ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખની સત્તાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, ‘ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ ૨૧૨(F) : જ્યારે પણ રાષ્ટ્રપતિને એમ લાગે કે, કોઈપણ વિદેશીઓને અથવા વિદેશીઓના વર્ગને અમેરિકામાં પ્રવેશ અટકાવવો છે અથવા તેઓ અમેરિકાના હિતો માટે નુકસાનકારક છે, ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાહેરાત કરીને તમામ વિદેશીઓ અથવા વિદેશીઓના કોઈપણ વર્ગના ઈમિગ્રન્ટ્સ અથવા નોન-ઈમિગ્રન્ટ્સ તરીકેના પ્રવેશને સ્થગિત કરી શકે છે અથવા વિદેશીઓના પ્રવેશ પર તેવા કોઈપણ નિયંત્રણો લાદી શકે છે, જેને તેઓ યોગ્ય માને છે.’
ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ ૨૧૨(F)ની વાત કરીએ તો, આ કલમ હેઠળ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર છે કે, તેઓ વિદેશી પ્રવાસીઓને અમેરિકામાં આવતા અટકાવી શકે. જ્યાં સુધી રાષ્ટ્રપ્રમુખને પોતાની મુજબ વિદેશી પ્રવાસીઓને અટકાવવો જરૂરી છે, ત્યાં સુધી અટકાવી શકે છે. ટ્રમ્પે એવું પણ લખ્યું છે કે, ‘અમેરિકાના ઈતિહાસનાં કોઈપણ વર્ષની તુલનાએ વર્તમાન સમયમાં અમેરિકામાં વિદેશીઓ સૌથી વધુ છે. હાલમાં લગભગ છ અમેરિકન નાગરિકોની તુલનાએ એક વિદેશી પ્રવાસી છે, તેથી તેને અટકાવવામાટે કડક પગલા ભરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બરના રોજ વોશિંગ્ટનમાં આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ ટ્રમ્પે વિદેશી પ્રવાસીઓને લઈને મોટી જાહેરાત કરી ૨૮ નવેમ્બરે કહ્યું હતું કે, તેઓ ત્રીજી દુનિયા અથવા ગરીબ દેશોના પ્રવાસ પર કાયમી પ્રતિબંધ મુકશે. આ સાથે તેમણે ૧૯ દેશોના ગ્રીન કાર્ડ તપાસ આદેશ આપ્યા છે. અફઘાનિસ્તાનના એક યુવકે અમેરિકન નેશનલ ગાર્ડ્સને ટાર્ગેટ કરીને ફાયરિંગ કર્યું હતું, જેમાં એક મહિલા સુરક્ષા કર્મચારીનું મોત થયું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલા પછી અફઘાનિસ્તાન, વેનેઝુએલા, હૈતી, સોમાલિયા, આફ્રિકન અને એશિયન દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકામાં શરણ લેવા માટે કરવામાં આવેલી લગભગ ૨૨૩ અરજીઓની મંજૂરી પણ અટકાવી દીધી છે. અફઘાન પાસપોર્ટ ધારકોને નવા વિઝા આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. તેમણે તે ૧૯ દેશોના ૩૩ લાખ ગ્રીન કાર્ડ ધારકોની તપાસ કરવા અને શંકાસ્પદોને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, બાઈડેનના કાર્યકાળ દરમિયાન અમેરિકા આવેલા અફઘાનિસ્તાનના ૨.૩૩ લાખ શરણાર્થીઓની ફરીથી તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.




