ઈરાન પર શરૂ કરી ભયાનક એરસ્ટ્રાઈક જાેર્ડનમાં ૨ અમેરિકન સૈનિકોના મોત ઉપર ભડક્યું અમેરિકા આ કાર્યવાહી બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે શનિવારે સાંજે ૬ કલાક (ઈસ્ટર્ન ટાઇમ) રાષ્ટ્રપતિના નિર્દેશ પર અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યાં છે. આ હુમલાનો ઉદ્દેશ્ય હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજાે માટે ખતરો પેદા કરનારી ઈરાની ક્ષમતાઓને નબળી પાડવાનો અને જાેર્ડનમાં અમેરિકી સૈનિકો પર હુમલો કરનારી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની કાર્યવાહીનો જવાબ આપવાનો છે.
જાેર્ડનમાં ૧૭ જુલાઈએ ઈરાની બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા દરમિયાન બે અમેરિકી સૈનિકોના મોત થયા. તો એક અન્ય સૈનિક લાપતા છે. સૈનિકોની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી. સેનાએ કહ્યું કે પરિવારજનોને સત્તાવાર સૂચના આપવાના ૨૪ કલાક બાદ તેના નામ જાહેર કરવામાં આવશે.
અમેરિકી સેનાએ જણાવ્યું કે હુમલા બાદ ચાર સૈનિકોને સારવાર માટે જાેર્ડનની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તો સામાન્ય રૂપથી ઈજાગ્રસ્ત અન્ય સૈનિકો સારવાર બાદ ફરી ડ્યૂટી પર લાગી ગયા છે. આ ઘટનાઓ બાદ યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધી અમેરિકાના ૧૬ સૈનિકોના મોત થયા છે, જ્યારે ૪૩૦થી વધુ સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. આ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોઝતબા ખામેનેઈએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જારી નિવેદનમાં તેમણે કહ્યું કે જાે અમેરિકા પોતાના હુમલા યથાવત રાખે છે તો એવો પાઠ ભણાવવામાં આવશે જેને તે ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષરવાળી કોઈ સમજુતિનું હવે કોઈ મહત્વ રહી ગયું નથી.
અમેરિકી સેનાએ જણાવ્યું કે શનિવારે તેમણે ઈરાનમાં સર્વેલાન્સ કેન્દ્રો, સૈન્ય લોજિસ્ટિક માળખા, હથિયાર ભંડાર અને સમુદ્રી સૈન્ય ક્ષમતાઓને નિશાન બનાવી છે. આ સતત સાતમી રાત છે જ્યારે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે.





