લેબનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં હમાસ કમાન્ડરના મોતના સમાચાર છે. હમાસે સોમવારે કહ્યું કે લેબનોનમાં તેના નેતા, ફતેહ શરીફ અબુ અલ-અમીન અને તેના પરિવારના કેટલાક સભ્યો ઇઝરાયેલના હુમલાનો ભોગ બન્યા છે.
બીજી તરફ બેરૂતમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટાઈન લિબરેશન ફ્રન્ટના ત્રણ નેતાઓના મોતના સમાચાર પણ છે. સોમવારે મધ્યરાત્રિ પછી, ઇઝરાયેલે બેરૂતના કોલા જિલ્લામાં જોરદાર બોમ્બમારો કર્યો. આ દરમિયાન પેલેસ્ટાઈન લિબરેશન ફ્રન્ટના ત્રણેય નેતાઓએ જીવ ગુમાવ્યો હતો.
હવાઈ હુમલામાં 105 લોકોએ જીવ ગુમાવ્યા હતા
લેબનોનમાં રવિવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 105 લોકોના મોત થયા હતા. લગભગ 359 લોકો ઘાયલ થયા છે. લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 630થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં લગભગ એક ચતુર્થાંશ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા 211,319 પર પહોંચી ગઈ છે.
બેકા ખીણમાં પાંચ માર્યા ગયા
ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનના ટાયર જિલ્લાના અર્જૌન અને ચેહૌર શહેરમાં ડ્રોન વડે હિઝબુલ્લાહ પર હુમલો કર્યો. જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. બેકા ખીણમાં ઈઝરાયેલના હુમલામાં પાંચ લોકોના મોતના પણ અહેવાલ છે. આ સિવાય ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે બેકા ઘાટીમાં હાજર હિઝબુલ્લાહના ડઝનબંધ લોન્ચર્સ અને ઈમારતોને નિશાન બનાવી હતી. જેના કારણે વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી.