રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક એક જોરદાર વિસ્ફોટ થયો હતો. એવા પણ અહેવાલો છે કે આ બ્લાસ્ટ એક હુમલો હતો, જેના દ્વારા પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપનીના ચીની કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં બે ચીની નાગરિકોના મોત થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. ચીને આ મામલે તપાસની માંગ કરી છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. સિંધ પ્રાંતના ગૃહપ્રધાન ઝિયા ઉલ હસન લંઝારે જિયો ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિસ્ફોટ શંકાસ્પદ IEDના કારણે થયો હતો, જેમાં એક વિદેશી નાગરિક પણ ઘાયલ થયો હતો.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સમગ્ર કરાચી શહેરમાં તેનો અવાજ સંભળાયો હતો. એરપોર્ટ નજીકના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિસ્ફોટના ટેલિવિઝન ફૂટેજમાં આ વિસ્તારમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ સ્થળની નજીકના રસ્તા પર જ્વાળાઓ દેખાઈ રહી હતી. વિસ્ફોટનો અવાજ નોર્થ નાઝીમાબાદ અને કરીમાબાદ સુધી સંભળાયો હતો.
બ્લાસ્ટ બાદ આગના કારણે વાહનો બળી ગયા હતા
વિસ્ફોટ બાદ લાગેલી આગને કારણે જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બ્લાસ્ટ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર વિસ્ફોટ ઓઈલ ટેન્કરમાં થયો હતો. જો કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.
બ્લાસ્ટ બાદ ઈમરજન્સી સેવાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સિંધના ગૃહમંત્રીએ કહ્યું કે વિસ્ફોટમાં ઘણા વાહનો નાશ પામ્યા છે, કારણ કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે વિદેશી નાગરિકોનો કાફલો એરપોર્ટથી નીકળી રહ્યો હતો.
તેમણે કહ્યું કે વિસ્ફોટમાં ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે 7 થી 8 અન્ય લોકો ઘાયલ થયા છે.