
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત પદ સંભાળ્યા બાદ દેશમાં ચોંકાવનારા નિર્ણયો લીધા છે. અમેરિકા ફર્સ્ટ નીતિનો અમલ કરતા ટ્રમ્પે આવો જ બીજો નિર્ણય લીધો છે. હવે ટ્રમ્પ અમેરિકન ચૂંટણીમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે યુએસ ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત, હવે અમેરિકામાં મતદાન કરવા માટે અમેરિકન નાગરિકતા ફરજિયાત બનશે. આનો અર્થ એ થશે કે ફેડરલ ચૂંટણીઓમાં મતદાન કરવા માટે નોંધણી કરાવવા માટે નાગરિકતાના દસ્તાવેજો જરૂરી બનશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા ચૂંટણીમાં મૂળભૂત અને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં સફળ રહ્યું નથી. આ આદેશ ફેડરલ એજન્સીઓને ચૂંટણી અધિકારીઓ સાથે ફેડરલ ડેટા શેર કરવાનો નિર્દેશ આપે છે જેથી તેઓ બિન-નાગરિકોને ઓળખવામાં મદદ કરી શકે. આ અંતર્ગત રાજ્યોને મતદાર યાદી પૂરી પાડવા અને ચૂંટણી સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે, જે રાજ્યો આદેશોનું પાલન નહીં કરે તેમને ભંડોળ ન આપવાની ધમકી આપવામાં આવી છે. જોકે, ટ્રમ્પના આ આદેશોને પડકારોનો સામનો કરવો પડી શકે છે કારણ કે અમેરિકામાં રાજ્યોને ચૂંટણી નિયમો નક્કી કરવાનો અધિકાર છે.