
પાર્ટ ટાઇમ કામ કરી રોજના ૧૦ હજાર કમાવવાની રીલ જાેઇ હતી.ઘરે બેસીને રૂપિયા કમાવવાની લાલચમાં વાસણાની મહિલાએ ૭૨ હજાર ગુમાવ્યા.સોના- ચાંદીના વેપારીની પત્નીએ ગુમાવેલા ૭૨ હજાર અંગે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.મીશો એપ ડાઉનલોડ કરી જુદા જુદા રિચાર્જ કરી આપવાના અને કંપની દ્વારા આપવામાં આવેલા ટાસ્ક પૂરા કરીને રોજના એક હજારથી ૧૦ હજાર રૂપિયા કમાવો એવી જાહેરાત જાેઈ, જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્ટરેસ્ટ બતાવી કામગીરી શરૂ કરનાર વાસણાની મહિલાએ ૭૨ હજાર રૂપિયા ગુમાવ્યા છે. માણેકચોકના સોનીની પત્નીએ જ્યારે જમા કરાવેલા રૂપિયા વિથડ્રો કરવા પ્રયાસ કર્યાે ત્યારે ખબર પડી કે છેતરાઈ ગઈ છે. આ બાબતે સાઇબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.વાસણા સ્પર્શ એરોનમાં રહેતા જય સોની માણેકચોકમાં સોના-ચાંદીની દુકાન ધરાવી જડતરનું કામ કરે છે.
તેમની પત્ની ખ્યાતિબેનને તાજેતરમાં જ સંતાનને જન્મ આપ્યો હોવાથી તેઓ ઘરે છે. લગભગ ત્રણેક મહિના પહેલા ખ્યાતિબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ જાેઈ હતી, જેમાં મીશો એપ્લિકેશન માટે રિચાર્જ કરાવીને તથા આપેલા ટાસ્ક પૂરાં કરીને રોજના એક હજારથી ૧૦ હજાર રૂપિયા કમાઈ શકાશે તેવી વાત કરવામાં આવી હતી.આ રીલ જાેઈને ખ્યાતિબેને પણ તેમાં રસ દાખવી સંપર્ક કર્યાે હતો. સામે છેડેથી તેમને જુદા જુદા ટાસ્ક અને રિચાર્જ માટેનું કામ આપવામાં આવતું હતું. થોડા સમય માટે તેમને કમિશન પેટે થોડા રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમની પાસે વધુ કામ કરાવવામાં આવતું હતું.ખ્યાતિબેને ૭૨ હજાર રૂપિયાનું રિચાર્જ કરાવી દીધા બાદ રૂપિયા અને કમિશનની માગણી કરતાં સામે છેડેથી પહેલા બધા ટાસ્ક પૂરાં કરો, ત્યાર પછી જ રૂપિયા મળશે તેમ કહેવામાં આવ્યું હતું. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે પતિની મદદથી સાઇબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.




