
સર્વે નંબર અને નકશામાં ગોટાળા.લીંબડીના રાસકા ગામે સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ.જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામે નિર્માણ પામેલા વિશાળ સોલાર પ્લાન્ટમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
લીંબડીના રાસકા ગામની ‘રાઇની સીમ‘ તરીકે ઓળખાતી આશરે ૪૫૦ વીઘા (૧૬૦ એકર) જમીનમાં આ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાથણીની જમીનોના પ્રીમિયમ ભરવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી જમીનો ખરીદવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ડી.એલ.આર.ઓ. કચેરીમાંથી ખોટા નકશા ઉભા કરી, જે જમીનોના સર્વે નંબર અસ્તિત્વમાં નહોતા તેમાં પણ મોટા પાયે ગોટાળા કરીને જમીન હડપી લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી નિયમોના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
સોલાર પ્લાન્ટના નિર્માણ દરમિયાન નર્મદા કેનાલની પસાર થતી પાઈપલાઈનોમાં પણ મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




