
૧૯ કાર્યકર્તા સામે કેસ પાછો ખેંચવા મંજૂરી નહીં.કરણી સેનાને મોટો ઝટકો, પદ્માવત ફિલ્મનો વિરોધ કરવો ભારે પડ્યો.કોર્ટે કહ્યું કે આરોપીઓએ અપરાધ વ્યક્તિગત હિત અને ચોક્કસ સમુદાયનું વર્ચસ્વ જાળવવા કર્યો હતો.પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના દ્વારા રાજ્યભરમાં કરાયેલા તોડફોડ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસમથકમાં ૧૯ આરોપીઓ વિરૂધ્ધ કેસ નોંધાયો હતો. ત્યારે આ મામલે કરણી સેનાને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના ૧૯ કાર્યકર્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
વર્ષ ૨૦૧૮ માં પદ્માવત ફિલ્મને લઈને કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો હતો. પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ રાજ્યભરમાં તોડફોડ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા એ વખતે વસ્ત્રાપુર પીવીઆર સીનેમામાં કરણી સેનાએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે કરણી સેનાના નેતાઓ સહિત ૧૫૦૦ ના ટોળા સામે ગુનો નોંધીને ૧૯ જણાની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુકયો હતો.
બાદમાં આ કેસ સરકાર દ્વારા પરત ખેંચવા માટે ગ્રામ્ય કોર્ટના જયુડીશયલ મેજિસ્ટ્રેટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. ત્યારે તે સમયે કોર્ટે સરકાર પક્ષની તીખી આલોચના અને આકરી ટીકા સાથે ફગાવી દીધી હતી, જે બાદ રાજય સરકાર દ્વારા સેશન્સ કોર્ટમાં આરોપીઓ સામેનો કેસ પાછો ખેંચવા રિવીઝન અરજી કરાઇ હતી.
ત્યારે હવે અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના ૧૯ કાર્યકર્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, અપરાધ વ્યક્તિગત હિત હાંસલ કરવા અને ચોક્કસ સમુદાયની વર્ચસ્વ જાળવવા માટે કરવામાં આવ્યો હતો.




