
સુરેન્દ્રનગર ભ્રષ્ટાચાર કેસ.એક સ્ક્વેર મીટર જમીન દીઠ ૧૦ ઉઘરાવી કરોડોનો ખેલ.અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસાઈ રહી છ.જિલ્લાના ચકચારી કરોડો રૂપિયાના જમીન ભ્રષ્ટાચાર કેસમાં હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સામે ચાલી રહેલા બિનખેતી (એનએ) જમીન કૌભાંડ મામલે આજે તેમનો રિમાન્ડ પૂર્ણ થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઈડીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઈડીના અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ ૫૦ હેઠળ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નિવેદન નોંધ્યું છે.
રિમાન્ડ દરમિયાન દિલ્હી અને ગુજરાતમાં કરવામાં આવેલી તપાસમાં બિનખેતી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લાંચખોરી માટે સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોવાના સંકેતો મળ્યા છે. જેથી આ કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ભૂમિકા કેન્દ્રમાં હોવાનું તપાસ એજન્સી માને છે.
નોંધનીય છે કે, ઈડીની ટીમે ગત સોમવાર અને મંગળવાર દરમિયાન ગાંધીનગર તથા સુરેન્દ્રનગરમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સમગ્ર ભ્રષ્ટાચારના કેસમાં જમીનને બિનખેતી બનાવવા માટે સ્ક્વેર મીટર દીઠ રૂ.૧૦નો દર નક્કી કરવામાં આવતો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આશરે ૮૦૦ જેટલી અરજીઓના બદલે રૂ.૧૦ કરોડથી વધુની લાંચ લેવામાં આવી હોવાનો તથા આ બિનખેતીની ગેરકાયદેસર પ્રક્રિયામાં લાંચની તમામ રકમનું આયોજનબદ્ધ રીતે વહેંચણું થતું હોવાનો ખુલાસો થયો છે.
આટલું જ નહીં, આ ભ્રષ્ટાચારના કેસના આખા સિન્ડિકેટમાં જમીન દ્ગછ કરાવવાની પ્રક્રિયાની અરજીમાં વિલંબ ન થાય તે માટે સ્પીડ મની તરીકે ખંડણી ઉઘરાવાતી હોવાની વ્યવસ્થા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચાલતી હોવાનું તથા આ આખા રેકેટમાં કેટલાક વચેટીયા તેમજ એડવોકેટોના નામો પણ તપાસ દરમિયાન સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઈડી દ્વારા આગામી દિવસોમાં આ વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ બાદ તેમને તા.૭ જાન્યુઆરી સુધી રિમાન્ડ પર સોંપવાનો હુકમ ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. સોજીત્રાએ કર્યો હતો. ઈડીની પ્રાથમિક તપાસમાં રૂ.૧૦ કરોડથી વધુની લાંચ લેવાઈ હોવાનું બહાર આવ્યું છે. તપાસ એજન્સીના દાવા મુજબ જમીન બિનખેતી કૌભાંડમાં વસૂલાત થતી લાંચમાંથી આશરે ૫૦ ટકા હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે ૨૫ ટકા હિસ્સો રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને મળતો હોવાનું સામે આવ્યું છે.
વધુમાં ગત અઠવાડિયા(૨-૩ જાન્યુઆરી)ની કાર્યવાહી બાદ ઈડ્ઢના અધિકારીઓએ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ ગયા હતા. ત્યાં એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમની હાજરીમાં હાર્ડ ડિસ્ક, લેપટોપ, પેન ડ્રાઈવ, મોબાઈલ ફોન સહિત કુલ ૧૨ ડિજિટલ ડિવાઇસ ખોલીને તેની તપાસ કરવામાં આવી હતી. આ ડેટાના આધારે વિસ્તૃત પૂછપરછ કરીને કલમ ૫૦ મુજબ નિવેદન લેવામાં આવ્યું હોવાનું ઈડીના સૂત્રો જણાવે છે.
હાલ આ મામલે ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અન્ય અધિકારીઓ અને સ્ટાફની પણ ધરપકડ થાય તેવી સંભાવના નકારી શકાતી નથી. ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીથી અમદાવાદ આવીને સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વિવિધ સ્થળોએ તપાસ કરીને આ કૌભાંડના વ્યાપક નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ તેજ કર્યો છે.




