
ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસોગુજરાતમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ૧૫ દિવસના બાળકનું રેસ્ક્યુંગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે વોચ ગોઠવીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓ પાસેથી માત્ર ૧૫ દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે, જેને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ૧૫ દિવસનું બાળક સાબરકાંઠાના ઇડર હાઈવે પરથી ‘યુનુસ‘ નામના શખ્સ પાસેથી મેળવવામાં આવ્યું હતું. આરોપીઓએ આ બાળક એક દંપતી પાસેથી ૩,૬૦,૦૦૦માં ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ આ બાળકને હૈદરાબાદ લઈ જવાની પેરવીમાં હતા. ધરપકડ કરાયેલા ૩ પૈકી ૨ આરોપીઓ ગત વર્ષે પણ હૈદરાબાદમાં બાળ તસ્કરીના કેસમાં ઝડપાયા હતા. તે સમયે તેમની પાસેથી ૩ બાળકો મળ્યા હતા, જેમાંનું એક બાળક અમદાવાદનું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે સાબરકાંઠા અને બનાસકાંઠાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક કારણોસર નવજાત બાળકોને વેચવાના કિસ્સાઓ વધુ જાેવા મળે છે, જેનો લાભ આ તસ્કર ટોળકી ઉઠાવતી હતી.
ગુજરાત ATS દ્વારા મળેલી અને ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ DCB ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે.સી. દેસાઈના નેતૃત્વમાં એક ટીમે કાર્યવાહી કરી હતી. આ ટીમમાં એ.એચ.સી. કનુભાઈ ભૂપતભાઈ, એ.પી.સી. વેલાજી હેમાજી, એ.પી.સી. સુરેશભાઈ લાલજીભાઈ અને મહિલા પી.સી. કાશ્મીરાબેન કાંતિભાઈ સહિતના સ્ટાફ મિત્રો સામેલ હતા. ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે, કોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ મારુતિ અર્ટિગા (રજીસ્ટ્રેશન નં. ય્ત્ન-૦૧-સ્-૨૬૦૦) ને અટકાવવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત વંદનાબેન જીગરાભાઈ પંચાલ (૩૪): રહે. મુકેશનગર સોસાયટી, ઓઢવ, અમદાવાદ. (મૂળ રહે. અયોધ્યા, ઉત્તર પ્રદેશ).
રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ (૪૨): રહે. હૈદરાબાદ, તેલંગાણા. (મૂળ રહે. ઝુંઝુનુ, રાજસ્થાન).
સુમિત બચ્ચનભાઈ યાદવ (૨૭): રહે. બીજલ હોમ્સ, વટવા, અમદાવાદ. (મૂળ રહે. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ).
મૌલિક ઉમિયાશંકર દવે (૩૨): વાહનનો ચાલક (જેની તપાસ ચાલુ છે).
મોડસ ઓપરેન્ડી અને તપાસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂ.૩,૬૦,૦૦૦ માં ખરીદ્યું હતું. તેઓ આ બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ જપ્ત કરી છે.
રોકડ: રૂ.૧૦,૦૫૦ (વિવિધ મૂલ્યની નોટો).
મોબાઈલ ફોન: ૪ હેન્ડસેટ જેની અંદાજિત કિંમત રૂ.૫૫,૦૦૦ છે.
વાહન: પરિવહન માટે વપરાયેલી મારુતિ અર્ટિગા કાર.
ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર (મુન્નુ અને નાગરાજ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)૨૦૨૩ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ ની નીચેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે : BNS કલમો: ૧૪૩(૪), ૧૩૭(૨), અને ૬૧(૨)(a).
જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ ૨૦૧૫: કલમ ૮૧ અને ૮૭.
બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે.
આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે




