
ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી
દેશભરમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ ટોળકીએ દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી
સાયબર માફિયાઓ દ્વારા જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવી સાયબર ઠગાઈ આચરવામાં આવે છે. ઠગાઈથી મેળવેલા નાણાંને રોકડમાં રૂપાંતરિત કરવા માટે નજીવા કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. આવી જ એક ટોળકી ઝડપાઈ છે, જેણે દેશભરના ૨૮ રાજ્યોમાં અંદાજે ૮૦ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ.૯૩૦ કરોડથી વધુની સાયબર ઠગાઈની રકમ જમા કરાવી હતી. આ રકમને બાદમાં દુબઈ મારફતે રોકડમાં ફેરવી લેવાઈ હોવાનું ખૂલ્યું છે.
આ ટોળકી દ્વારા ખોલાવવામાં આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે અત્યાર સુધીમાં કુલ ૧૫૩૫ સાયબર ઠગાઈના ગુનાઓ નોંધાયા હોવાનું ૧૯૩૦ પોર્ટલ પર નોંધાયેલું છે.મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ઠગાઈની રકમ જમા કરાવી અને તેને ફોરેક્સ પ્રી-પેઈડ કાર્ડ મારફતે રોકડમાં રૂપાંતરિત કરતી આ ટોળકીના પાંચ આરોપીઓની વેરાવળ અને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના ઇન્સ્પેક્ટર બી.એમ. ચૌધરી અને જી.બી. ડોડીયા સહિતની ટીમ તથા પીએસઆઈ અનમોલ સલિયાએ આરોપીઓની ધરપકડ બાદ કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સ્પષ્ટ થયું કે આરોપીઓ દેશભરમાં કુલ ૧૫૩૫ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત, આ ટોળકીએ ગુજરાતમાં ૨૬૪ સાયબર ગુના આચર્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓ સાથે સીધા સંપર્કમાં રહી ઠગાઈની રકમ જમા કરાવવા માટે મ્યુલ બેંક એકાઉન્ટ્સ પ્રોવાઇડ કરાવતા હતા. સાથે સાથે, આ રકમને રોકડમાં ફેરવી દુબઈ મોકલવાની વ્યવસ્થા પણ તેઓ જ સંભાળતા હતા.આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે અબ્દુલ હફીઝ પાનવાલા, મુસ્તાક અબ્દુલ ખાલીદ ખાનાણી (બંને રહે. વેરાવળ), શબ્બીર મોહમંદ હનીફ ભડેલા, મોહમંદ તાહા શબ્બીર ભડેલા (બંને રહે. મુંબઈ) તથા ગગજીભાઈ રાજપૂત (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી છે. તમામ આરોપીઓની મેરેથોન પૂછપરછ હાલ ચાલુ છે.





