મધ્યપ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ તરફ મોટું પગલું વિધાનસભામાં હોબાળા વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર બહુમતીથી બિલને મંજૂરી; લિવ-ઇન રિલેશનશિપની નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જાેગવાઈઓનો સમાવેશ મધ્યપ્રદેશ વિધાનસભામાં મંગળવારે ભારે રાજકીય હોબાળા વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. બિલ રજૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ જાેરદાર વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચ્ચાર શરૂ કર્યો, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી બે વખત મુલતવી રાખવી પડી હતી. તેમ છતાં સરકારને મળેલા બહુમતના આધારે અંતે બિલ પસાર કરવામાં સફળતા મળી.
આ બિલ પસાર થતાં ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદ મધ્યપ્રદેશ યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવનાર દેશનું ચોથું રાજ્ય બનવા તરફ આગળ વધ્યું છે.
સરકારનું કહેવું છે કે આ કાયદાનો હેતુ તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદાની વ્યવસ્થા સ્થાપિત કરવાનો અને મહિલાઓના અધિકારોને વધુ મજબૂત બનાવવાનો છે.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ આ મુદ્દે દ્વિધા વલણ અપનાવી રહ્યો છે અને વર્ષોથી તુષ્ટિકરણની રાજનીતિ કરતો આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર સમાજમાં સમાનતા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે આ બિલ લાવી છે અને મહિલાઓના હિતોની રક્ષા તેની પ્રાથમિકતા છે.
બિલની મહત્વપૂર્ણ જાેગવાઈઓમાં લિવ-ઇન રિલેશનશિપ માટે ફરજિયાત નોંધણીનો પ્રસ્તાવ સામેલ છે. ઉપરાંત, એકથી વધુ લગ્ન કરવાના કિસ્સાઓમાં કડક કાનૂની કાર્યવાહી અને જેલની સજાની જાેગવાઈ પણ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મહિલાઓ સાથે અન્યાય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યમાં દરેક નાગરિક માટે સમાન કાયદાની વ્યવસ્થા અમલમાં આવશે.
બીજી તરફ કોંગ્રેસે બિલનો વિરોધ કરતાં આરોપ લગાવ્યો કે સરકાર પૂરતી ચર્ચા વિના મહત્વપૂર્ણ કાયદો પસાર કરી રહી છે. વિપક્ષના હોબાળા અને વિરોધ છતાં સરકાર બિલને બહુમતીના આધારે પસાર કરવામાં સફળ રહી.
યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર થતાં મધ્યપ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. હવે બિલના અમલીકરણ માટે જરૂરી નિયમો અને પ્રક્રિયાઓ તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે નવા કાયદાથી નાગરિકોને સમાન કાનૂની અધિકારો મળશે, જ્યારે વિપક્ષે તેના કેટલાક પ્રાવધાનો અંગે પોતાની અસહમતિ વ્યક્ત કરી છે.





