
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અમારા કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન ડૉ. કાયનાતબેન અન્સારી ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરી રહ્યા છે. એક મહિલા હોવાની સાથે તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું હોસ્પિટલ ધરાવે છે અને સારી આવક પણ ધરાવે છે. તેમ છતાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સમાજના છેવાડાના માણસ માટે કામ કરી રહ્યા છે અને તેમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમણે દારૂબંધીના પોકળ દાવાઓને બહાર લાવવા માટે “જનતા રેડ” કરી હતી. મોબાઈલ દ્વારા ફેસબુક લાઈવ કરીને તેમણે દારૂબંધીના દાવાઓની પોલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી ભાજપ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે એક મહિલાની સામે ખોટી ફરિયાદ ઉભી કરવામાં આવી છે. એટ્રોસિટીનો ખોટો કેસ દાખલ કરીને કાલે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ વિધાનસભામાં મહિલાઓની સુરક્ષા અને સન્માન અંગે મોટી મોટી વાતો કરે છે, પરંતુ એક મહિલાની અડધી રાત્રે ધરપકડ કરવામાં તેમને શરમ કે લાજ પણ નથી આવી.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે જે વ્યક્તિ દારૂબંધી માટે જનતા રેડ કરે છે તેને વિધાનસભામાં બોલાવીને ગૃહમંત્રીના હાથે સન્માન આપવું જોઈએ. સરકાર જે કામ નથી કરી શકતી તે કામ જનતાએ કર્યું છે. પરંતુ દારૂબંધીની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે જનતા રેડ કરનાર લોકો સામે એટ્રોસિટીનો કેસ કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે દલિત સમાજની એક બહેનને હાથો બનાવી ફરિયાદ કરાવવામાં આવી અને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને ધરપકડ કરવામાં આવી. જ્યારે દલિત સમાજ પર થયેલી જૂની ઘટનાઓમાં હજુ સુધી ન્યાય મળ્યો નથી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ ઘટનામાં એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. મહિલા દિવસના બીજા જ દિવસે બાદ ભાજપ સરકારે આ કાર્યવાહી કરીને પોતાની વાસ્તવિકતા બતાવી છે. આમ આદમી પાર્ટી આ ઘટનાનો કડક વિરોધ કરશે અને ડૉ. કાયનતબેન અન્સારીને સંપૂર્ણ સમર્થન આપશે. પાર્ટીની ટીમ સાથે મળીને આવનારા દિવસોમાં આ મુદ્દે કાર્યક્રમો પણ કરવામાં આવશે.




