
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત જાણે કે શિકાગો બની રહ્યું હોય એમ છેલ્લા છ માસ ઉપરાંત જે રીતે લૂંટ, ખૂન,બળાત્કાર, ખંડણી, વ્યાજ ખોરોનો ત્રાસ અને ખુલ્લી ગુંડાગીરી ,દાદાગીરી વિગેરે રોજિંદા બનાવોથી જ્યારે ખરડાઈ રહ્યું હોય ત્યારે સવાલ એ છે કે ક્યાં છે પોલીસની હાક અને ધાક?
સુરત શહેરમાં હત્યા, બળાત્કાર,ખંડણી,વ્યાજખોરોનો ત્રાસ , લૂંટ, ચોરી અને મારામારી ના બનાવોનું પ્રમાણ વધી રહેલ છે. એમાં પણ કેટલાક ખાસ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તો આવા બનાવો રોજિંદા બની રહ્યા છે. જેવા કે ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, પાંડેસરા, સચીન, સચીન GIDC, ઉધના વિગેરે પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુન્હાઓની આ પોલીસ સ્ટેશનોમાં નોંધ લેવામાં આવે છે. સામાન્ય ગુન્હાઓમા તો પોલીસ સ્ટેશનમાંથી નિકાલ કરી દેવામાં આવે છે. અને પોલીસના ચોપડે વધુ ગુન્હાઓની સંખ્યા નહીં બતાવીને ગુન્હાઓની સંખ્યા ઓછી બતાવવામાં આવે છે.
આમ પોલીસના અધિકારીઓ પોતાના પોલીસ સ્ટેશનમાં ઓછા ગુન્હા બન્યા છે કે ક્રાઇમ રેટ ઘટી ગયો છે. એવું ઉચ્ચ અધિકારીઓને બતાવવા ચિત્ર ઊભું કરે છે. હત્યા, બળાત્કાર, ખંડણી,વ્યાજખોરોનો ત્રાસ ,લૂંટ જેવા ગંભીર ગુન્હામાં પકડાયેલા આરોપીઓને સ્થળ નિરિક્ષણના નામે બનાવના સ્થળે લઈ જવામાં આવે છે ત્યારે તમાશાને તેડું નહી એમ આવા ગુન્હેગારોને જાહેર જનતાની વચ્ચે વરઘોડો કાઢી તેઓની ઉપર થર્ડ ડિગ્રી અપનાવી હોય એમ બતાવવા માટે આરોપીઓને લંગડાતા ચાલવા પોલીસ સલાહ આપતી હોય છે. પરંતુ તેઓના ચહેરા જોતાં તેઓને પોલીસનો કોઈ ડર કે ભય હોતો નથી. પોલીસ માત્ર બહુ મોટા આરોપીઓને પકડી પાડયા હોય એવા માત્ર દેખાડા જ કરતી હોય છે. જ્યારે કોઈ ગંભીર ગુન્હો બને ત્યારે આરોપીઓ બે ત્રણ દિવસ આમ તેમ છુપાઈ જાય છે. અને પ્રજાનો રોષ ઓછો થતાં જ આરોપીઓ એમના (પોલીસના) મળતિયા મારફત હાજર થતાં હોય છે. અથવા સ્થળ બતાવે છે
જેથી પોલીસ ત્યા જઈ આરોપીઓને એરેસ્ટ કરી પોતે ધરપકડ કરી હોય એવું પોલીસ પ્રજાને બતાવે છે. આ દરમ્યાન એટલેકે પોલીસ પકડવા જતી હોય છે ત્યારે પોલીસ ઉપર આરોપીઓ એ હુમલો કર્યો હોય અથવા હથિયારથી ઘા કર્યો હોય એવું બતાવવા સાથે પોલીસની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હોય એવું આડ મૂકી આરોપીઓને પગમાં પોલીસ ધ્વારા ઇજા પહોંચાડી તેવું બતાવવામાં આવે છે. હકીકતમાં આ બધુ એક સ્ટંટ જ હોય છે.
હાલમાં વિધાર્થીઓએ પેન-પેન્સિલ રાખવાના બદલે ઓનલાઈન ધ્વારા ચપ્પા-છુરી મંગાવતા હોય છે. અને તેઓ આ ચપ્પુ, છરીનો ખુલ્લેઆમ જાહેરમાં ઉપયોગ કરતાં પણ ડરતા નથી. તાજેતરમાં જ પાંડેસરાની ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિધાર્થીઓ વચ્ચે ગેંગવોરનો જે બનાવ બન્યો છે એ શિક્ષણ જગત,પોલીસ, અને સમાજ માટે શરમ જનક બાબત કહેવાય. જે વિધાર્થીઓના માં-બાપ કે પરિવારમાં કોઈ લાયસન્સવાળું હથિયાર ધરાવતા હોય તો એવું હથિયાર કુમળા બાળકોના હાથમાં ના આવે જેની ખાસ સાવચેતી રાખવી જોઈએ.
શાળાના ૧૨ થી ૧૫ વર્ષના બાળકો આવા જીવલેણ હથિયારનો ઉપયોગ કરે ત્યારે પોલીસનો ડર જ ક્યાં રહ્યો?




