
યુવકે ખૂદ પર પિસ્તોલ ચલાવી દિલ્હીમાં રમત-રમતમાં યુવાનનું કરુણ મોત નિપજ્યું ઘટનાની તુરંત બાદ યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આજ કાલ રીલ્સની ઘેલછા ખૂબ વધી ગઈ છે. થોડીક લાઈક્સ અને વ્યૂ મેળવવા માટે લોકો પોતાનો જીવ પણ જાેખમમાં મુકી દે છે. ક્યારેક વહેતા પાણીમાં તો ક્યારેક પહાડની ટોચ પરથી વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો હથિયાર (બંદુક) જાણે રમકડું હોય એવી રીતે એની સાથે રમતા હોય છે. ત્યારે દિલ્હીના દલ્લુપુરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવાને વીડિયો બનાવવાની ઘેલછામાં પોતાને ગોળી મારી દીધી. ઘટનાની તુરંત બાદ યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સોશિયલ મીડિયામાં આ વાયરલ સનસનીખેજ વીડિયોથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.વીડિયોમાં જાેઈ શકાય છે કે, યુવાનના હાથમાં પિસ્તોલ છે અને તે તેમાં મેગઝિન લોડ કરી રહ્યો છે. નજીકમાં ઉભેલો બીજાે વ્યક્તિ તેને કંઈક સૂચના આપતો પણ સાંભળાય છે. વીડિયો બનાવી રહેલો મિત્ર કહે છે, ‘ચલાવતો નહીં ભાઈ’. યુવાન પિસ્તોલમાં મેગઝિન લોડ કરે છે અને પછી પિસ્તોલ સીધી છાતી પર લગાવે છે. એ સમયે મિત્ર ફરી કહે છે, ‘અરે નહીં…’ પણ યુવાન પોતાની છાતી પર પિસ્તોલ રાખે છે અને ટ્રીગર દવાબી દે છે. આ ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટનાના તુરંત બાદ યુવાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોળી હૃદયના ભાગે વાગતા સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોમાં જે પિસ્તોલનો ઉપયોગ થયો હતો, તે લાયસન્સવાળી હતી. આ પિસ્તોલ વીડિયો બનાવી રહેલા મિત્રની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ન્યૂ અશોક નગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે સંબંધિત લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે આ ઘટના કઈ પરિસ્થિતિમાં બની હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, વાયરલ થયેલા વીડિયોની પણ તપાસ ચાલી રહી છે અને તેમાં દેખાતા દરેક પાસાને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ, આ ઘટનાની પાછળ કોઈ બીજું કારણ હતું કે નહીં, એ પણ તપાસવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા અને સાવચેતી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.




