
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે અને આજે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આમ આદમી પાર્ટી તમામ 12000 સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. તો અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લેવલે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી અને ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવેલા હતા. તો 16 માર્ચથી 18 માર્ચ સુધી પ્રદેશ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી હતી. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલી હતી. આ પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાંથી હોદ્દેદારો અને ઉમેદવારો આવ્યા અને ખૂબ જ મોટા પ્રમાણમાં દાવેદારી નોંધાવવામાં આવી હતી. ઝીણવટભરી પ્રક્રિયા પછી ટૂંક સમયમાં ઉમેદવારોની યાદીનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટી તમામ સીટો પર મજબુતીથી ઉમેદવારો મેદાને ઉતારવા જઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી હતી. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે અને આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે, ત્યારે રાજકારણમાં આવીને પ્રજાની સેવા કરવા માંગતા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ તમામ લોકોનો એક જ સંકલ્પ છે કે ગુજરાતને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરીએ અને સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ.




