
રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે ખુશીના સમાચાર રેલવેના રનિંગ સ્ટાફના કિલોમીટર એલાઉન્સમાં ૨૫%નો વધારો થયો રેલવે મંત્રાલયે આ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી આ વર્ષ ભારતીય રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. મોંઘવારી ભથ્થું (DA) ૫૦% સુધી પહોંચ્યા પછી રેલવે મંત્રાલયે હવે ‘કિલોમીટર એલાઉન્સ‘ (KMA)માં ૨૫%નો નોંધપાત્ર વધારો કરવા માટે લીલી ઝંડી આપી છે. જે રનિંગ સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ ભથ્થું છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશન (AIRF)ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચેની બેઠક બાદ આ ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, રેલવે મંત્રાલયે આ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને એવી અપેક્ષા છે કે રેલવે બોર્ડ આવતીકાલ સુધીમાં આ અંગે સત્તાવાર આદેશ જારી કરશે. આ પગલું ચોક્કસ રેલવે નિયમ અનુસાર લેવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે એકવાર DA ચોક્કસ મર્યાદા (૫૦%) પાર કરી જાય પછી અન્ય ભથ્થાઓ આપમેળે સુધારણાને પાત્ર છે. કર્મચારીઓના લાંબા સંઘર્ષ અને યુનિયન દ્વારા સક્રિય હિમાયત પછી સરકારે આખરે આ વાજબી માંગણી સ્વીકારી લીધી છે. AIRF ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ સફળતાનો શ્રેય રેલવે કર્મચારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી એકતાને આપ્યો છે. સોશિયલ મીડિયા (X) પર આ માહિતી શેર કરતા તેમણે જણાવ્યું હતું કે નાણા સચિવ અને રેલવે મંત્રી બંને સાથે યોજાયેલી તાજેતરની બેઠકો દરમિયાન આ મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. આ ર્નિણયથી કર્મચારીઓનું મનોબળ વધશે જ નહીં પરંતુ તેમની નાણાકીય સુખાકારીમાં પણ નોંધપાત્ર સુધારો થશે. નવરાત્રીના આ ખાસ પ્રસંગે મળેલા આ સારા સમાચારથી રેલવે કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.




