
પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન રાધે-રાધે કહીને થયું સ્વાગત : રાષ્ટ્રપતિ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા, ધર્મ અને આધ્યાત્મ પર ચર્ચા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલમાં મથુરાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વૃંદાવનમાં આવેલા શ્રીહિત રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે સંત શ્રી પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આશ્રમ પહોંચતા પ્રેમાનંદ મહારાજે પરિકરો અને શિષ્યો દ્વારા રાષ્ટ્રપતિનું ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રેમાનંદ મહારાજ વચ્ચે એકાંતિક વાર્તાલાપ પણ થયો. જાણકારી અનુસાર, બંને વચ્ચે મુખ્યત્વે આધ્યાત્મ્ય, સેવા અને જનકલ્યાણ જેવા વિષયો પર ચર્ચા થઈ. રાષ્ટ્રપતિએ પ્રેમાનંદ મહારાજના સરળ જીવન અને તેમના આધ્યાત્મિક ઉપદેશો પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. એકદમ ચૂસ્ત સુરક્ષાની વચ્ચે થયેલી આ શિષ્ટાચાર ભેટ દરમિયાન આશ્રમનું વાતાવરણ એકદમ ભક્તિમય દેખાયું. આ અગાઉ ગુરુવારે અયોધ્યામાં દર્શન-પૂજન બાદ રાષ્ટ્રપતિ મુર્મૂ મથુરા પહોંચ્યા હતા.
મથુરામાં રાષ્ટ્રપતિ મુર્મૂએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને કેટલાય અન્ય કાર્યક્રમોમાં ભાગ લીધો. શુક્રવાર સવારે તેમણે આધ્યાત્મિક કાર્યક્રમોથી દિવસની શરૂઆત કરી. રાષ્ટ્રપતિએ રાધા કેલી કુંજ સ્થિત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં સંતના પ્રવચન સાંભળ્યા. આ અઠવાડિયું એટલા માટે વિશેષ છે કેમ કે ગુરુવારે સંત પ્રેમાનંદજી મહારાજનો જન્મદિવસ હતો.
આશ્રમમાં રાષ્ટ્રપતિએ સંત સાથે આધ્યાત્મિક ચર્ચા કરી અને તેમને હાથ જાેડી પ્રણામ પણ કર્યા. સંત પ્રેમાનંદે પ્રસન્ન મુદ્રામાં રાધે-રાધે કહીને તેમનું અભિવાદન કર્યું. મુર્મૂએ સંત પ્રેમાનંદ મહારાજને જન્મદિવસની શુભકામનાઓ પણ આપી.
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ અગાઉ ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર ગયા હતા. તેમણે વિશેષ ધાર્મિક સમારંભ અંતર્ગત ૧૫૦ કિલોગ્રામ સોનાથી જડિત શ્રી રામ યંત્રની સ્થાપના કરી. ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર એક્સ હેન્ડલ તેને લઈને એક પોસ્ટ પણ કરવામાં આવી હતી.




