
યોગગુરૂ પ્રદીપના ગોરખધંધાનો પર્દાફાશ.લોકોને કેન્સર અને હાર્ટની બીમારીની સારવાર પણ આપતો આ યોગગુરૂ.એક સમયે હેર સલૂન ચલાવતો હતો પ્રદીપ જાેટંગિયા.ધર્મના નામે ગોરખધંધા કરતો યોગગુરૂ પ્રદીપ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ૨ કરોડની નકલી નોટ કેસમાં સુરતથી પોલીસે યોગગુરૂની ધરપકડ કરી છે. કામરેજના પારડી ખાતે યોગ ધામ બનાવી પ્રદીપે ગોરખધંધા શરૂ કર્યાં હતા. ધોરણ ૧૨ પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના દાવા તેના દ્વારા કરવામાં આવતા હતા. ત્યારે આજે અમે તમને યોગગુરૂ પ્રદીપ કોણ છે? તે વિશે સમગ્ર માહિતી આપીશું. યોગગુરૂ પ્રદીપ મૂળ રાજકોટનો છે. તેનું નામ પ્રદીપ જાેટંગિયા હતું. તેણે સુરતના કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના કિનારે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે આશ્રમ ઉભો કર્યો હતો. તે યોગ, ધ્યાન અને પ્રવચનો આપવાનું કામ કરે છે. આ ઘટના બાદ યોગગુરૂ પ્રદીપ સાથે અનેક રાજનેતાઓની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
રાજકોટમાં પ્રદીપ જાેટંગિયાના નામે આ યોગગુરૂ સત્યમ હેર ડ્રેસર નામથી હેર કટિંગ સલૂન ચલાવતો હતો. ત્યારબાદ તેણે પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાક ચલાવવાના શરૂ કર્યાં હતા. આ યોગ ક્લાકથી સફળતા મળ્યા બાદ તેણે સુરતમાં તાપી નદીના કિનારે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. ત્યાં તે યોગ શીખવી લોકોનો ભરોસો જીતી રહ્યો હતો. આ યોગના માધ્યમથી તેણે નકલી નોટો છાપી બજારમાં પહોંચાડવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો. તે પણ સામે આવ્યું છે કે આ યોગગુરૂ અને તેની ગેંગ દ્વારા કરોડો રૂપિયાની નોટ બજારમાં ફરતી કરી દેવામાં આવી છે. પ્રદીપ ગુરૂજીએ પોતાનો ગોરખધંધા શરૂ કરવા અને તેને છુપાવવા માટે યોગનો સહારો લીધો હતો.
યોગગુરૂના નામે જાણીતો બનેલો પ્રદીપ જાેટંગિયા માત્ર ધોરણ ૧૨ પાસ હતો. પરંતુ તે યોગના નામે કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાનો દાવો કરતો હતો. તે યોગમાં લોકોની શ્રદ્ધા હોવાનો ફાયદો ઉઠાવતો અને પોતાના કાળા કામ કરતો હતો. પારડી ખાતે તેણે યોગ ધામ બનાવી આ ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. જેમાં તે દર્દીઓને સારવાર પણ આપતો હતો. દર્દી માટે જે ફાઈલ બનતી તેમાં ડોક્ટરનું નામ નહીં પરંતુ માત્ર પોતાનો ફોટો જાેવા મળતો હતો. એટલે કે યોગ દ્વારા જાણીતા બન્યા બાદ તેણે લોકોના વિશ્વાસનો લાભ ઉઠાવ્યો અને તેને સારવારના નામે ફસાવી રહ્યો હતો.
યોગગુરૂ પ્રદીપે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે લાખો રૂપિયા લોકો પાસેથી પડાવ્યા હોવાની પણ આશંકા છે. આ સિવાય કેન્સર પીડિત મહિલાના પેટમાંથી પાઇપ વડે અઢી લીટર પાણી કાઢવાનો વીડિયો પણ વાયરલ થયો છે. હાર્ટ બ્લોકેજ ઠીક કરવા અનેક લોકોને શિકાર બનાવ્યા છે. તેના આશ્રમમાં હાઈટેક ઓપરેશન થિએટર જેવી સુવિધાઓ જાેઈને પોલીસ ચોંકી ઉઠી છે. હજુ આ કેસમાં પોલીસની તપાસ બાદ અનેક ખુલાસા થઈ શકે છે.




