
કેદીઓની અમાનવીય સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટનું સખત વલણ.રાજ્યો જેલોની સ્થિતિ અંગે તાજી અને સંપૂર્ણ વિગતો આપે: સુપ્રીમ કોર્ટ.૧લી માર્ચ, ૨૦૨૬ની સ્થિતિ મુજબ દરેક જેલની ક્ષમતા અને કેદીઓની સંખ્યા દર્શાવતી સંપૂર્ણ વિગતો રજૂ કરવી પડશે.દેશભરની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિઓ અંગે કડક વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે, ૨૦૨૬ સુધીમાં જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વાેચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માગી છે.
સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યાે હતો. આ કેસમાં એમિકલ ક્યુરી તરીકે કોર્ટને મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ ગૌરવ અગ્રવાલે ધ્યાન દોર્યું હતું કે રાજ્યો અને કેન્દ્રીશાસિત પ્રદેશોએ રેકોર્ડમાં મૂકેલા આંકડા છેક ૨૦૨૩ના છે, જે હવે જૂના થઈ ગયા છે. આ રજૂઆતની નોંધ લઈને કોર્ટએ જણાવ્યું કે આ મુદ્દાની ગંભીરતા અને યોગ્ય નિરાકરણ માટે તાજા અને સચોટ આંકડાઓ અનિવાર્ય છે. તેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના અધિકારક્ષેત્રમાં આવેલી તમામ જેલોની અપડેટેડ અને વિગતવાર માહિતી રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે. આ આંકડાઓમાં દરેક જેલની મંજૂર ક્ષમતા, કુલ કેદીઓની સંખ્યા, ક્ષમતા કરતાં વધુ કેદીઓની ટકાવારી, તેને ઘટાડવા માટેના પગલાં, મહિલાઓની જેલોની વિગતો, મહિલા કેદીઓ અને તેમના બાળકો માટેની સુવિધાઓ (શૈક્ષણિક અને આરોગ્ય સહિત), જેલ સ્ટાફની મંજૂર સંખ્યા, ખાલી જગ્યાઓ અને તેને ભરવા માટેના પ્રયાસો સહિતની તમામ માહિતી સામેલ કરવાની રહેશે. કોર્ટએ સ્પષ્ટ કર્યું હતું કે ૧ માર્ચ, ૨૦૨૬ની સ્થિતિ મુજબ દરેક જેલની ક્ષમતા અને કેદીઓની સંખ્યા દર્શાવતી સંપૂર્ણ વિગતો રજૂ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ૧૮ મે સુધીમાં ગૃહ સચિવના સર્વગ્રાહી સોગંદનામા દાખલ કરવા પડશે, જેમાં જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે. સર્વાેચ્ચ અદાલતે આ મામલાની વધુ સુનાવણી ૨૬ મેએ નિર્ધારિત કરી હતી.





