૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામની અદમ્ય શૂરવીરતા-દેશભક્તિ અને બલિદાનની પ્રતીક
ભારતના ઇતિહાસમાં ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ એક એવી ક્રાંતિ હતી જેણે અંગ્રેજી શાસન સામે દેશભક્તિ-સ્વાભિમાન અને સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી.આ સંગ્રામમાં અનેક રાજાઓ-સૈનિકો, ક્રાંતિકારીઓ અને સામાન્ય નાગરિકોએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. આ મહાન સંઘર્ષમાં પુરૂષોની સાથે અનેક મહિલાઓએ પણ અદભૂત સાહસ-શૌર્ય અને બલિદાનની ભાવના દર્શાવી હતી. આવી જ એક અજોડ વીરાંગના હતી ઝલકારીબાઈ, જેમનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે જોડાયેલા ૧૮૫૭ના સંઘર્ષમાં વિશેષ સ્મરણ કરવામાં આવે છે. ઝલકારીબાઈનું જીવન માત્ર એક વીરાંગનાની કથા નથી પરંતુ સામાન્ય પરિવારમાં જન્મેલી એક સ્ત્રી અસાધારણ હિંમત-આત્મવિશ્વાસ અને દેશપ્રેમથી ઇતિહાસમાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવી શકે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.
જન્મ અને બાળપણ..
ઝલકારીબાઈનો જન્મ ઈ.સ.૧૮૩૦માં ઉત્તર ભારતના ઝાંસી નજીકના પ્રદેશમાં એક સામાન્ય પરિવારમાં થયો હોવાનું લોકપ્રચલિત જીવનચરિત્રોમાં જણાવવામાં આવે છે, તેમના પિતાનું નામ સદોવા કે મૂળચંદ કોરી હતું, તેમનો પરિવાર સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતો હતો, બાળપણથી જ ઝલકારીબાઈ નિર્ભય, સ્વાભિમાની, મહેનતુ અને સાહસિક સ્વભાવનાં હતાં. તે સમયના સમાજમાં
મહિલાઓને શિક્ષણ અને સૈન્ય તાલીમની બહુ ઓછી તક મળતી હતી તેમ છતાં ઝલકારીબાઈને બાળપણથી જ ઘોડેસવારી, શસ્ત્રોનો ઉપયોગ, જંગલમાં જીવન જીવવાની કળા અને સ્વરક્ષણ જેવી બાબતોમાં રસ હતો.તેમના જીવન સાથે જોડાયેલી લોકકથાઓમાં બાળપણમાં જ તેમણે જંગલી પ્રાણીઓનો સામનો કર્યો હતો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ડર્યા વગર હિંમતપૂર્વક કાર્ય કર્યું હતું તેવા પ્રસંગો વર્ણવવામાં આવે છે. આવા પ્રસંગોએ તેમના વ્યક્તિત્વમાં નિર્ભયતા-આત્મવિશ્વાસ અને સંકટ સમયે નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ કર્યો હતો.
લગ્નજીવન અને ઝાંસીના સૈન્ય સાથે જોડાણ..
ઝલકારીબાઈના લગ્ન પૂરણસિંહ સાથે થયાં હતાં.પૂરણસિંહ ઝાંસીના સૈન્ય સાથે જોડાયેલા હતા. પતિના સૈન્યજીવન અને ઝાંસીના રાજકીય વાતાવરણને કારણે ઝલકારીબાઈને પણ શસ્ત્રો-સૈન્ય વ્યવસ્થા અને યુદ્ધની પરિસ્થિતિઓ અંગે જાણકારી મળતી ગઈ. ઝલકારીબાઈની બહાદુરી-શારીરિક ક્ષમતા અને યુદ્ધકૌશલ્યને ધ્યાનમાં લઈને તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના મહિલા સૈન્યદળમાં જોડાયા હતાં એવું કહેવાય છે.મહિલા સૈન્યદળમાં જોડાયા પછી તેમણે શસ્ત્રચાલન, ઘોડેસવારી, સૈન્ય શિસ્ત અને યુદ્ધની તાલીમ મેળવી.તેમની નિષ્ઠા અને સાહસને કારણે તેઓ ધીમે ધીમે મહિલા સૈનિકોમાં એક આગવી ઓળખ ધરાવતી બહાદુર યોદ્ધા બની ગયાં.
૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઝાંસી પર અંગ્રેજોનો હુમલો..
ઈ.સ.૧૮૫૭માં અંગ્રેજો સામે દેશના અનેક વિસ્તારોમાં બળવો ફાટી નીકળ્યો હતો. અંગ્રેજોની અન્યાયી નીતિઓ, રાજ્યોનું વિલય, ભારતીય સૈનિકો પ્રત્યેનો ભેદભાવ અને ધાર્મિક-સામાજિક અસંતોષના કારણે જનમાનસમાં ભારે રોષ હતો, ઝાંસી પણ આ ક્રાંતિનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું હતું.ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોના શાસન સામે લડવાનો નિર્ધાર કર્યો હતો, અંગ્રેજ સેનાએ ઝાંસીના કિલ્લાને ઘેરી લીધો, શહેર અને કિલ્લાની અંદર ભયંકર યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ, રાણી લક્ષ્મીબાઈ પોતાની સેના
સાથે અડગ રહીને અંગ્રેજોનો સામનો કરી રહી હતી. આ સંકટના સમયે ઝલકારીબાઈની બહાદુરીની કથા વિશેષ પ્રચલિત બની છે.રાણી લક્ષ્મીબાઈને બચાવવા પોતાનું જીવન જોખમમાં મૂક્યું ઝલકારીબાઈ અને રાણી લક્ષ્મીબાઈના ચહેરા તથા શરીરની રચનામાં સામ્યતા હતી. આ સામ્યતાનો લાભ લઈને એક સાહસિક યોજના બનાવવામાં આવી. જ્યારે અંગ્રેજો ઝાંસીના કિલ્લા પર અંતિમ હુમલો કરી રહ્યા હતા અને રાણી લક્ષ્મીબાઈ માટે ત્યાંથી સુરક્ષિત નીકળવું મુશ્કેલ બન્યું હતું ત્યારે ઝલકારીબાઈએ રાણીના વેશમાં અંગ્રેજ સૈન્યને ભ્રમિત કરવાનો નિર્ણય કર્યો હતો, તેમણે રાણી જેવો વેશ ધારણ કર્યો,શસ્ત્રો હાથમાં લીધાં અને અંગ્રેજો સામે મોરચો સંભાળ્યો. અંગ્રેજ સૈનિકો તેમને જ રાણી લક્ષ્મીબાઈ સમજીને તેમની પાછળ પડ્યા. આ દરમિયાન રાણી લક્ષ્મીબાઈને કિલ્લામાંથી બહાર નીકળવાની તક મળી અને તેઓ આગળના સંઘર્ષ માટે સુરક્ષિત સ્થળે પહોંચી શક્યાં હતાં.ઝલકારીબાઈનું આ સાહસ માત્ર યુદ્ધની યુક્તિ નહોતું પરંતુ પોતાના દેશ-પોતાની રાણી અને સ્વતંત્રતાના ધ્યેય માટે જીવ જોખમમાં મૂકવાની અદમ્ય ભાવનાનું પ્રતીક હતું.
યુદ્ધભૂમિમાં અદમ્ય શૌર્ય..
ઝલકારીબાઈના જીવન સાથે જોડાયેલી કથાઓમાં વર્ણવવામાં આવે છે કે તેઓ યુદ્ધભૂમિમાં અત્યંત નિર્ભયતાથી લડ્યાં હતાં, તેમના હાથમાં શસ્ત્ર હોય ત્યારે તેઓ દુશ્મન સામે અડગ ઊભાં રહેતાં, તેમની અંદર દેશપ્રેમની એવી જ્વાળા હતી કે અંગ્રેજ સૈનિકોની સંખ્યા કે તેમની શક્તિથી તેઓ ભયભીત થતાં નહોતાં. તેમની બહાદુરીએ મહિલા સૈનિકોમાં પણ નવી શક્તિ અને ઉત્સાહ જગાવ્યો હતો, તેમણે સાબિત કર્યું કે શૌર્ય-સાહસ અને દેશપ્રેમ કોઈ એક જાતિ-વર્ગ કે લિંગની મિલકત નથી. આત્મબળ ધરાવતી વ્યક્તિ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અડગ રહી શકે છે. તેમના પતિ પૂરણસિંહ પણ ઝાંસીના સૈન્યમાં જોડાયેલા હતા અને યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા. પતિના બલિદાન અને યુદ્ધની ભયાનક પરિસ્થિતિ છતાં ઝલકારીબાઈએ હિંમત ગુમાવી નહીં, તેમના જીવનની આ કથા કર્તવ્યનિષ્ઠા અને દેશપ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે છે.
ઝલકારીબાઈનું વ્યક્તિત્વ: હિંમત-સ્વાભિમાન અને કર્તવ્ય..
ઝલકારીબાઈના જીવનમાંથી અનેક ગુણો શીખવા મળે છે. નિર્ભયતા-ભય સામે ઝૂકી જવાને બદલે તેનો સામનો કરવો એ તેમની વિશેષતા હતી.સંકટ સમયે હિંમત જ સાચી શક્તિ બની શકે છે, કર્તવ્યનિષ્ઠા -તેમણે પોતાના કર્તવ્યને વ્યક્તિગત સુખ અને સલામતી કરતાં વધારે મહત્વ આપ્યું. દેશ અને સમાજ માટેની જવાબદારીને તેમણે જીવનનો ધર્મ માન્યો, સ્વાભિમાન-ગરીબ પરિવારમાં જન્મ હોવા છતાં તેમણે પોતાની ક્ષમતાથી એક આગવી ઓળખ ઊભી કરી. સામાજિક પરિસ્થિતિઓ તેમની હિંમતને દબાવી શકી નહીં, સ્ત્રીશક્તિનું પ્રતીક-તેમણે દર્શાવ્યું કે મહિલાઓ માત્ર પરિવારની જવાબદારી નિભાવનાર જ નહીં પરંતુ સમાજ-દેશ અને ઇતિહાસનું નેતૃત્વ કરનાર પણ બની શકે છે, ત્યાગ અને બલિદાન-પોતાનાથી મોટું ધ્યેય હોય ત્યારે વ્યક્તિ પોતાના હિતનો ત્યાગ કરી શકે છે.ઝલકારીબાઈની કથા આ ભાવનાને જીવંત કરે છે.
ઝલકારીબાઈની શૌર્યગાથા ભારતીય લોકસ્મૃતિ, લોકગીતો, જીવનચરિત્રો, નાટકો અને સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે, તેમના જીવનના કેટલાક પ્રસંગો ખાસ કરીને રાણી લક્ષ્મીબાઈનો વેશ ધારણ કરીને અંગ્રેજ સેનાને ભ્રમિત કરવાનો પ્રસંગ, લોકપ્રચલિત વર્ણનોમાં વિશેષ સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ઝલકારીબાઈનું સ્થાન અને વારસો..
ઘણા સમય સુધી ભારતના ઇતિહાસમાં રાજાઓ-સેનાપતિઓ અને મોટા રાજકીય નેતાઓનાં નામો વધારે પ્રચલિત રહ્યાં, જ્યારે સામાન્ય પરિવારોમાંથી ઊભા થયેલા અનેક ક્રાંતિકારીઓનું યોગદાન ઓછું પ્રકાશમાં આવ્યું. ઝલકારીબાઈ જેવી વીરાંગનાઓની યાદ આજે ખાસ કરીને સામાજિક સમાનતા-મહિલા સશક્તિકરણ અને વંચિત સમાજોના ઐતિહાસિક યોગદાનને ઓળખ આપવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ બની છે. તેમના જીવન પરથી પ્રેરણા લઈને અનેક કવિઓએ કાવ્યો રચ્યાં, લેખકોએ જીવનચરિત્રો લખ્યાં, નાટકો ભજવ્યાં અને લોકગીતો દ્વારા તેમની શૌર્યગાથાને લોકો સુધી પહોંચાડી, તેમના નામે સ્મારકો- પ્રતિમાઓ અને સન્માનના કાર્યક્રમો પણ યોજાય છે. ભારત સરકારે પણ ઝલકારીબાઈને યાદ કરીને ટપાલ ટિકિટ બહાર પાડી હતી, જે તેમની રાષ્ટ્રીય સ્મૃતિમાં સ્થાન મેળવવાનું એક પ્રતીક છે. ઝલકારીબાઈનું સ્મરણ એ માત્ર એક વીરાંગનાને શ્રદ્ધાંજલિ આપવાનું નથી પરંતુ ઇતિહાસમાં ભૂલી ગયેલા સામાન્ય લોકોના યોગદાનને માન આપવાનું પણ છે. દેશના સ્વાતંત્ર્ય માટે કોઈ રાજમહેલમાં જન્મેલું હોવું જરૂરી નથી,દેશપ્રેમ તો સામાન્ય ઝૂંપડીમાં પણ જન્મ લઈ શકે છે.
વીરાંગના ઝલકારીબાઈનું જીવન આપણને શીખવે છે કે હિંમત, નિષ્ઠા, સ્વાભિમાન અને દેશપ્રેમથી વ્યક્તિ અસાધારણ બની શકે છે, તેમની શૌર્યગાથા આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા કોઈ એક વ્યક્તિની ભેટ નથી પરંતુ અસંખ્ય જાણીતા અને અજાણ્યા બલિદાનોનું પરિણામ છે. ઝલકારીબાઈએ પોતાના સાહસ અને ત્યાગ દ્વારા મહિલા શક્તિનું ગૌરવ વધાર્યું. તેમણે સંદેશ આપ્યો કે દેશ-સમાજ અને ન્યાય માટે ઊભા રહેવાની શક્તિ દરેક વ્યક્તિમાં રહેલી છે, જરૂર છે માત્ર પોતાના અંતરમાં રહેલા સાહસને જાગૃત કરવાની. આજે જ્યારે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈએ છીએ ત્યારે ઝલકારીબાઈ જેવી વીરાંગનાઓને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ, તેમનો સંઘર્ષ આપણને શીખવે છે કે મુશ્કેલીઓ સામે હાર માનવી નહીં, અન્યાય સામે મૌન રહેવું નહીં અને પોતાના કર્તવ્યથી ક્યારેય પાછા હટવું નહીં. વીરાંગના ઝલકારીબાઈનું નામ ભારતીય ઇતિહાસમાં હિંમત, સ્વાભિમાન, મહિલા શક્તિ અને દેશભક્તિના પ્રતીક તરીકે હંમેશાં પ્રેરણાદાયી બની રહેશે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




