
હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો. હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે ફટકો.આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે.હિમાચલ પ્રદેશના લોકોને વધતી મોંઘવારી વચ્ચે મોટો ફટકો પડ્યો છે. હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૫ રૂપિયા સુધીનો વધારો કરવાનો ર્નિણય લીધો છે.
આ અંગે એક બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અનાથ બાળકો અને વિધવાઓ માટે નિયમિત આવકનો પ્રવાહ ઉત્પન્ન કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને ઇંધણ પર ‘અનાથ અને વિધવા સેસ‘નો પ્રસ્તાવ મૂકીને આ પગલાને યોગ્ય ઠેરવ્યું છે.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ હિમાચલ પ્રદેશ મૂલ્યવર્ધિત કર (સુધારા) બિલ, ૨૦૨૬ વિધાનસભામાં સફળતાપૂર્વક પસાર કર્યું. આ બિલ પર ૨૩ માર્ચે ચર્ચા થઈ હતી અને વિપક્ષી પક્ષોના જાેરદાર વિરોધ છતાં પણ પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષે આ વધારાને જનતા પર બિનજરૂરી બોજ ગણાવ્યો છે, જેઓ પહેલાથી જ ઊંચા ફુગાવાનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
વિપક્ષનો તર્ક છે કે આ વધારાથી ડીઝલના ભાવ ૯૦થી ઉપર અને પેટ્રોલના ભાવ ૧૦૦ સુધી પહોંચી જશે. જે આંકડા પડોશી રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે હશે. હિમાચલ પ્રદેશ પહેલાથી જ પેટ્રોલ પર ૧૭% અને ડીઝલ પર ૧૩.૯% કર વસૂલ કરે છે. ભાવમાં બીજા ૫ રૂપિયા ઉમેરવાથી જનતા પર અસહ્ય નાણાકીય ભારણ પડશે.
વિપક્ષે વધુમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની સંભાવના આ સમયે પાંચ રૂપિયાનો સેસ લાદવો ગેરવાજબી છે. હકીકતમાં, સરકારે આ પગલા પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭નો વધારો કરી દીધો છે. વિપક્ષે સેસના નામકરણમાં “અનાથ” અને “વિધવા” શબ્દોના ઉપયોગ સામે પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
ગૃહમાં બિલ પસાર થયા પછી હવે તેને રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્યપાલ મંજૂરી આપ્યા પછી બિલ સત્તાવાર રીતે કાયદો બનશે અને અમલમાં આવશે. પરિણામે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો હવે અનિવાર્ય છે. આ પગલાના વિરોધમાં વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું.





