
અમેરિકાના બે અધિકારીઓ પર આરોપ મિનાબ સ્કૂલ હુમલાના મામલે ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જાહેર કર્યા આ ભીષણ હુમલામાં આશરે ૧૭૫ લોકોના મોત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હતા ઈરાને મીનાબમાં એક શાળા પર થયેલા ઘાતક મિસાઈલ હુમલા અંગે મોટો ખુલાસો કરતા અમેરિકન નૌસેનાના બે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.
આ હુમલામાં આશરે ૧૭૫ લોકોના મોત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હતા. ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયામાં આવેલા ઈરાની દૂતાવાસોએ રવિવારે આ અધિકારીઓની તસવીરો જાહેર કરી તેમના નામ જણાવ્યા છે. ઈરાનના દાવા મુજબ આ બંને અધિકારીઓએ અમેરિકન યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સ સાથે જાેડાયેલા છે.
ઈરાને જે અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે તેમાં Leigh R. Tate (કમાન્ડિંગ ઓફિસર) અને Jeffrey E. York (એક્ઝિક્યુટિવ (કાર્યકારી) ઓફિસર) સામેલ છે. આરોપ છે કે આ બંનેએ ત્રણ વખત ટોમહોક મિસાઈલ છોડવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે મીનાબની એક શાળા પર હુમલો થયો અને મોટી સંખ્યામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા.
ભારતમાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, આ બે રાક્ષસને યાદ રાખો, જેમણે ત્રણ વખત મિસાઈલ દાગીને ૧૬૮ નિર્દોષ બાળકોની હત્યા કરી નાખી. દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયા સ્થિત દૂતાવાસોએ પણ આ જ પ્રકારના કડક નિવેદનો જાહેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે શું આ અધિકારીઓને પોતાના બાળકો નથી?
આ મુદ્દે જિનીવામાં યોજાયેલી કટોકટીની ચર્ચા દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાને વિચારી-સમજીને અને ઈરાદાપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી. તેમનો દાવો છે કે સંઘર્ષના પહેલા જ દિવસે આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૭૫થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા હતા.
અમેરિકન પક્ષે આ હુમલાને લઈને અલગ વલણ અપનાવ્યું છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, અમેરિકન સૈન્ય તપાસમાં પ્રાથમિક રીતે આને ગુપ્ત માહિતીની ભૂલ ગણાવવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે જે ટાર્ગેટ પર હુમલો કરવાનો હતો, તેના માટે જૂના નકશા અને ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે મિસાઈલ નજીકની શાળા પર પડી હતી. મિસાઈલનું અસલી નિશાન ઈરાની સૈન્ય મથક હતું, જે પહેલા તે જ સંકુલનો ભાગ હતું જ્યાં હવે આ પ્રાથમિક શાળા આવેલી છે. ખોટી અથવા જૂની લોકેશન માહિતીને કારણે આ ઘટના બની છે.





