
UPIમાં ૫ મોટા ફેરફારની તૈયારીમાં RBI રૂ.૧૦ હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં ૧ કલાકનો વિલંબ! ધારો કે તમે ૧૨ હજારનું પેમેન્ટ કર્યું, તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા એક કલાક સુધી તમારી બેંક પાસે જ રહેશે દેશમાં ઓનલાઇન ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક કડક પગલાં લીધા છે, જેને ૫-પોઇન્ટ સેફ્ટી પ્લાન કહેવામાં આવી રહ્યો છે. જાેકે હાલમાં આ માત્ર પ્રસ્તાવિત છે. હજુ અમલમાં આવ્યા નથી. આ પ્લાનમાં કિલ સ્વિચથી લઈને પેમેન્ટ પ્રક્રિયામાં એક કલાકના વિલંબ જેવી જાેગવાઈઓ સામેલ છે. આ નિયમો કેમ લાવવામાં આવી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫માં ૨૮ લાખ ડિજિટલ ફ્રોડ થયા હતા. સામાન્ય નાગરિકોના બેંક ખાતામાંથી અંદાજે ૨૨,૯૩૧ કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે, આ છેતરપિંડીમાં ૯૮ ટકાથી વધુ હિસ્સો ૧૦ હજાર રૂપિયાથી ઉપરની રકમનો હતો. તેથી રિઝર્વ બેંક હવે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની સાથે તેની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
શું છે ૫ માસ્ટર પ્લાન? કિલ સ્વિચ: જાે યુઝરને લાગે કે તેની સાથે કોઈ છેતરપિંડી થઈ છે અથવા થઈ શકે છે, તો તે સિંગલ ક્લિક દ્વારા તેના તમામ એકાઉન્ટ્સના ડિજિટલ પેમેન્ટ મોડ્સ તાત્કાલિક બંધ કરી શકે છે. એટલે કે એક જ ક્લિક પર UPI, નેટ બેંકિંગ અને કાર્ડ્સ સુરક્ષિત કરી શકાશે.
કલાકનો વેટિંગ પીરિયડ: ૧૦ હજારથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન પર હવે એક કલાકનો વેટિંગ પીરિયડ રહેશે. ધારો કે તમે ૧૨ હજારનું પેમેન્ટ કર્યું, તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા એક કલાક સુધી તમારી બેંક પાસે જ રહેશે. આ દરમિયાન જાે તમને લાગે કે પેમેન્ટ ભૂલથી થયું છે કે ફ્રોડના કારણે, તો તમે બેંકને જાણ કરી શકો છો. આમ કરવાથી ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે.
વરિષ્ઠ નાગરિકો માટે ટ્રસ્ટેડ પર્સન (૭૦+ વર્ષ): ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને છેતરપિંડીથી બચાવવા માટે RBI એ ટ્રસ્ટેડ પર્સનનો એક કોન્સેપ્ટ રજૂ કર્યો છે. મોટા ટ્રાન્ઝેક્શન માટે આ ગ્રાહકોએ તેમના કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા ઓથેન્ટિકેશન કે વેરિફિકેશન કરાવવું ફરજિયાત બની શકે છે. આનાથી સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા થતી ઠગાઈ અટકશે.
શેડો ક્રેડિટ: ઠગ લોકો અવારનવાર બીજાના નામે ખોલાવેલા નકલી ખાતા (મ્યુલ એકાઉન્ટ્સ)નો ઉપયોગ કરે છે. હવે રિઝર્વ બેંક દર વર્ષની ક્રેડિટ લિમિટ નક્કી કરવા પર વિચાર કરી રહી છે. જાે કોઈ ખાતામાં અચાનક નિર્ધારિત મર્યાદા કરતા વધુ પૈસા આવે છે, તો તેને શેડો ક્રેડિટમાં રાખવામાં આવશે. એટલે કે, પૈસા ખાતામાં તો દેખાશે પણ ગ્રાહક તેને ત્યાં સુધી ઉપાડી નહીં શકે જ્યાં સુધી તે બેંકને પૈસાનો સાચો સ્ત્રોત ન બતાવે.
મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA): હવે માત્ર OTP પૂરતો રહેશે નહીં. RBI એ સૂચન કર્યું છે કે હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક્સ, પિન અથવા સેફ્ટી ટોકન જેવા લેયર્સ જરૂરી બનાવવામાં આવે. સિસ્ટમ એ પણ તપાસશે કે લેવડ-દેવડ કોઈ નવા ડિવાઈસથી થઈ રહી છે કે જૂના ભરોસાપાત્ર ડિવાઈસથી.





