
વાર્તા અને ટોનમાં મોટા ફેરફારો છતાં સલમાનની ‘માતૃભૂમિ’ની રિલીઝ ડેટ હજી સુધી નક્કી કેમ નથી થઈ? માતૃભૂમિ શરૂઆતમાં ૨૦૨૦ની ગલવાન વેલી અથડામણ પર આધારિત હતી, તેનું નામ પણ બેટલ ઓફ ગલવાન હતું સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’ની વાર્તા અને ટોનમાં મોટા ફેરફારો છતાં પણ તેની રિલીઝ અંગે અનિશ્ચિતતાઓ છે. આ વૉર ડ્રામા, પહેલા એપ્રિલમાં આવવાની અપેક્ષા હતી અને પછી જૂનમાં શિફ્ટ થવાની વાત હતી, હવે વહીવટી આંટીઘુટીઓને કારણે અટકી ગઈ હોવાનું કહેવાય છે. આ અંગેના કેટલાક અહેવાલો મુજબ, ફિલ્મ હજી સુધી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન પાસે પ્રમાણપત્ર માટે મોકલવામાં આવી નથી. નિર્માતાઓ હાલમાં આગળ શું કરવું તેની પ્રક્રિયા પર વિચાર કરી રહ્યા છે.એક સુત્રે આ પ્રક્રિયાઓ અને સ્થિતિ અંગે જણાવ્યું, “આ તબક્કે, જરૂરી ફેરફારો કર્યા પછી, ટીમ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે સરળ રિલીઝ માટે આગળના પગલાં શું હોવા જાેઈએ. કોઈ વિભાગ, ડિફેન્સ મિનિસ્ટ્રી, ઇન્ડિયન આર્મી કે સેન્સરે હજી સુધી ફિલ્મ જાેઈ નથી.”માતૃભૂમિ શરૂઆતમાં ૨૦૨૦ની ગલવાન વેલી અથડામણ પર આધારિત હતી, તેનું નામ પણ બેટલ ઓફ ગલવાન હતું, જેમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, તે ઘટનાનો આધાર લેવામાં આવ્યો હતો. પરંતુ ડિસેમ્બર ૨૦૨૫માં ટીઝર રિલીઝ થયા પછી ફિલ્મની દિશામાં ફેરફાર આવ્યો હોવાનું કહેવાય છે.ટીઝર અંગે ચીની સરકાર સાથે સંકળાયેલા પ્રકાશન ગ્લોબલ ટાઇમ્સ દ્વારા કડક પ્રતિક્રિયા મળી હતી, જેમાં ફિલ્મ પર “તથ્યોમાં છેડછાડ કરવાનો” આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
આ પછી, ફેબ્રુઆરીમાં કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા નિર્માતાઓને અનૌપચારિક રીતે સલાહ આપવામાં આવી હતી કે ચીન અને ગલવાનનાં સંદર્ભાે દૂર કરવામાં આવે, કારણ કે બંને દેશો વચ્ચેના રાજનૈતિક સંબંધોમાં સુધારો થઈ રહ્યો હતો. ત્યારબાદ ફિલ્મનું નામ માતૃભૂમિ રાખવામાં આવ્યું, જે તેનાં નવા અભિગમનો સંકેત આપે છે.એવું પણ કહેવાયું હતું કે ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ ફિલ્મના કેટલાક ભાગો ફરીથી શૂટ કર્યા છે. પરંતુ સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે ફિલ્મ સંપૂર્ણપણે ફરીથી લખાઈ નથી. સુત્રે જણાવ્યું, “માતૃભૂમિને સંપૂર્ણપણે ફરીથી લખવામાં આવી નથી કે રિશૂટ કરવામાં આવી નથી. મુંબઈ શેડ્યૂલ દરમિયાન, ટીમે કેટલાક વધારાના દ્રશ્યો શૂટ કર્યા, જેમાં પરિવાર અને સહાયક પાત્રોની પ્રેમ કહાનીઓ બતાવવામાં આવી છે. હવે ફિલ્મનું મુખ્ય ધ્યાન પરિવાર અને સંબંધો પર છે, જેથી તે હવે એક હ્યુમન ડ્રામા ફિલ્મ બની ગઈ છે.” યુદ્ધના કેટલાક તત્વો હજી પણ ફિલ્મમાં છે. સુત્રે ઉમેર્યું, “હા, થોડો યુદ્ધનો ભાગ રાખવામાં આવ્યો છે. પરંતુ જાે ચીન અને ગલવાનના સંદર્ભાે દૂર કરી દેવાય, તો સંઘર્ષ શું રહેશે? આ જ મુખ્ય પ્રશ્ન છે અને આ મુદ્દે ટીમ હાલ વિચાર કરી રહી છે.” ફિલ્મ હજી સુધી અધિકારીઓને બતાવવામાં આવી નથી અને તેની મુખ્ય કહાનીમાં પણ ફેરફાર થઈ રહ્યો છે, તેથી માતૃભૂમિની રિલીઝ ડેટ હાલ અનિશ્ચિત જ છે.





