
બે દિવસ ગબ્બર પર દર્શન રહેશે બંધ ૨૨ અને ૨૩ એપ્રિલે અંબાજી ગબ્બરના દર્શન રહેશે બંધ વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આગામી ૨૨ એપ્રિલ (બુધવાર) અને ૨૩ એપ્રિલ (ગુરુવાર), ૨૦૨૬ ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વે ટાવર આસપાસ બનેલા મોટા મધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં પણ ગરમીના કારણે મધમાખીઓ ઉડવાના બનાવો બન્યા છે. આથી, દર્શનાર્થીઓના જીવને કોઈ જાેખમ ન રહે તે હેતુથી આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે.
મધપૂડા હટાવવાની આ કામગીરી દરમિયાન યાત્રિકોને કોઈ નુકસાન ન પહોંચે તે માટે ગબ્બર પર્વત તરફ જતો માર્ગ સજ્જડ બંધ રાખવામાં આવશે. જાેકે, શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર એ છે કે અંબાજીના મુખ્ય શિખરબંધ મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ જ રહેશે, માત્ર ગબ્બર પર્વત પર જ આ પ્રતિબંધ લાગુ પડશે.
વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બે દિવસોમાં ગબ્બર દર્શનનું આયોજન ટાળીને વ્યવસ્થામાં સહકાર આપે. આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, ૨૪ એપ્રિલ (શુક્રવાર) થી ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા યાત્રિકો માટે ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.





