
કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તે હેતુથી આરોપીને કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી અનિવાર્ય : કોર્ટ સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં કલોલની કોર્ટે આરોપી ભરત વાહજીજી ઠાકોર (ઉં-૨૮)ને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનાર બાળકીને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ કર્યાે છે.કેસની વિગત એવી છે કે, મૂળ રાધનપુર તાલુકાના બરોધન ગામનો અને હાલ કલોલ તાલુકાના નારદીપુર ખાતે હુડકોમાં રહેતો આરોપી ભરત ઠાકોર ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કલોલ તાલુકાના એક ગામના પરિવારની ૧૨ વર્ષ અને ૭ મહિનાની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ચોટીલા લઈ ગયો હતો. જ્યાં હોટેલ અને ગૌશાળા પાસેના બગીચામાં તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. જેની તપાસ પીઆઈ. આર.આર. પરમાર અને તેમની ટીમે કરી હતી.આ કેસ કલોલ કોર્ટના ચોથા સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટમાં ચાલ્યો ત્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે, પુખ્ત વયના આરોપીએ બાળકીને તેના માતાપિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આશરે આઠ-દસ દિવસ સુધી પોતાની સાથે રાખી જે કૃત્ય આચર્યું છે તે કોઈ પણ સંજાેગોમાં માફીને પાત્ર નથી. તેથી આરોપીને મહત્તમ સજા થવી જાેઈએ. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી ભરત ઠાકોરને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજારનો દંડ ભોગવવાની સાથે પીડિતાને ૫ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યાે છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આ કેસમાં એક કુમળી વયની દીકરીએ જે શારીરિક શોષણ સહન કરવું પડ્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સમાજમાં આવા તત્વો સામે દાખલો બેસે તે હેતુથી આરોપીને કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી અનિવાર્ય જણાઈ આવે છે.





