
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો ર્નિણય સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી પેટ્રોલ પર નિકાસ ડ્યુટી ૧.૫ પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે, જ્યારે ડીઝલ માટે તે ૧૩.૫ પ્રતિ લિટર રહેશે વિશ્વભરમાં તેલની કટોકટી વચ્ચે ભારત સરકારે એક મોટો ર્નિણય લેતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. કેન્દ્રની મોદી સરકારે જણાવ્યું હતું કે, ૧ જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો નિકાસ વેરો ઘટાડવામાં આવશે.
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, પેટ્રોલ પર નિકાસ વેરો ૧.૫ રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ પર તે ૧૩.૫ રૂપિયા પ્રતિ લીટર અને એટીએફ (ATF) પર નિકાસ વેરો ૯.૫ રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવ્યો છે.
આ દર દર પખવાડિયે બદલવામાં આવી રહ્યા છે. આ ફેરફારો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ , પેટ્રોલ, ડીઝલ અને એટીએફની સરેરાશ કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર દર પખવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોની સમીક્ષા કરે છે અને તે મુજબ પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર લાગતો નિકાસ વેરો નક્કી થાય છે.
જાેકે, સામાન્ય લોકોને મળતા પેટ્રોલ અને ડીઝલ પર જૂનો ટેક્સ જ લાગુ રહેશે, તેમાં કોઈ નવો ઉમેરો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે નિકાસ વેરો (એક્સપોર્ટ ડ્યુટી) એ એક પ્રકારનો પરોક્ષ કર (Indirect Tax) છે, જે કોઈપણ દેશની સરકાર પોતાના દેશમાંથી બહાર (અન્ય દેશોમાં) મોકલવામાં આવતા સામાન પર લગાવે છે.
પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) ના રૂપમાં નિકાસ વેરો પહેલીવાર ૨૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજાર પ્રભાવિત થઈ રહ્યું હતું તેવા સમયે, વધુ પડતી નિકાસને રોકીને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારની વર્તમાન પરિસ્થિતિઓના આધારે દર પખવાડિયે આ વેરાની સમીક્ષા અને સુધારો કરવામાં આવે છે. આ અગાઉનો સુધારો ૧૬ મે, ૨૦૨૬ થી લાગુ થયો હતો.
પેટ્રોલની નિકાસ પર ૧.૫ રૂપિયા પ્રતિ લીટરનો વેરો લાગશે. આ સમગ્ર રકમ વિશેષ વધારાની આબકારી જકાત (સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી) તરીકે વસૂલવામાં આવશે, જ્યારે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવામાં આવશે નહીં. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ માટે મોદી સરકારે નિકાસ વેરો ૯.૫ રૂપિયા પ્રતિ લીટર નક્કી કર્યો છે. આ વેરો માત્ર વિશેષ વધારાની આબકારી જકાતના રૂપમાં જ વસૂલવામાં આવશે. આગામી સમીક્ષા દરમિયાન અન્ય ફેરફારોની જાહેરાત ન થાય ત્યાં સુધી આ સુધારેલા દર આગામી પખવાડિયા સુધી લાગુ રહેશે.





