
ફિફાના દાવાની પોલ ખૂલી ગઈ ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગાે પર હોબાળો મેચ શરૂ થતા પહેલા હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રદર્શનકારીઓ મેક્સિકો સિટીની સડકો પર ઉતરી આવ્યા હતા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત જેટલી ભવ્ય અને રોમાંચક થવાની અપેક્ષા રાખવામાં આવી હતી, ટૂર્નામેન્ટ તેના પહેલા જ દિવસે તેટલી જ ઝડપથી વિવાદો અને ગંભીર પ્રશ્નોના ઘેરાવામાં આવી ગઈ છે. એક તરફ મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં રંગારંગ ઉદ્ઘાટન સમારોહ અને યજમાન મેક્સિકોની જીતનો જશ્ન જાેવા મળ્યો, તો બીજી તરફ સ્ટેડિયમોમાં ખાલી બેઠકો, ટિકિટોના આસમાને પહોંચેલા ભાવ અને રસ્તાઓ પર થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ફિફા મેનેજમેન્ટ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે.ટૂર્નામેન્ટની બીજી મેચમાં જ્યારે દક્ષિણ કોરિયા અને ચેકિયાની ટીમો ગ્વાડાલાહારામાં આમને-સામને હતી, ત્યારે સ્ટેડિયમનો નજારો ચોંકાવનારો હતો. ટીવી પ્રસારણ દરમિયાન સ્ટેડિયમના અનેક મહત્ત્વના ભાગો, ખાસ કરીને VIP સેક્શનમાં મોટી સંખ્યામાં બેઠકો સાવ ખાલી જાેવા મળી હતી.જાેકે, સ્ટેડિયમ સંચાલકોએ એવો દાવો કર્યાે હતો કે ૪૫,૬૬૪ની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં ૪૪,૯૮૫ દર્શકો હાજર હતા. ફિફાએ પણ સત્તાવાર રીતે માત્ર ૭૦૦ જેટલી બેઠકો ખાલી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા વીડિયો દૃશ્યોમાં સ્ટેડિયમ ઘણું વધારે ખાલી હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આ મેચમાં દક્ષિણ કોરિયાએ ચેકિયાને ૨-૧થી હરાવ્યું હોવા છતાં, ફૂટબોલ જગતમાં ચર્ચા મેચ કરતાં વધુ ખાલી બેઠકો અંગે થઈ રહી છે.ફિફા પ્રમુખ જિયાની ઇન્ફાન્ટિનોએ એપ્રિલ મહિનામાં દાવો કર્યાે હતો કે આ ટૂર્નામેન્ટ માટે વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ ટિકિટ રિક્વેસ્ટ મળી હતી, જે અગાઉના બે વર્લ્ડ કપની કુલ માંગ કરતાં લગભગ ૧૦ ગણી વધુ હતી. જાેકે ગ્રાઉન્ડ રિયાલિટી તદ્દન જુદી જ જાેવા મળી રહી છે. ફિફાને દર્શકો ખેંચવા માટે અનેક મેચોની ટિકિટના ભાવ રાતોરાત ઘટાડવા પડ્યા છે જેથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં વધુ લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકે.દરિયાપારના ફેન્સ સતત ફરિયાદ કરી રહ્યા છે કે સામાન્ય કે ઓછી લોકપ્રિય ગ્રુપ મેચોની ટિકિટો પણ ૩૦૦ ડૉલર(આશરે ૨૫,૦૦૦થી વધુ)ની કિંમતે વેચાઈ રહી છે. ફિફાના સત્તાવાર રીસેલ પોર્ટલ પર હજુ પણ હજારો ટિકિટો વેચાયા વિનાની પડી છે. લોસ એન્જેલસમાં યોજાનારી અમેરિકા અને પરાગ્વેની મેચની પણ તમામ ટિકિટો હજુ સુધી વેચાઈ શકી નથી.આ તમામ વિવાદો વચ્ચે મેક્સિકો સિટીના એઝટેકા સ્ટેડિયમમાં યોજાયેલી પ્રથમ ઉદ્ઘાટન મેચમાં દર્શકોનો જબરદસ્ત પ્રવાહ જાેવા મળ્યો હતો. ૮૩,૨૬૪ની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ પ્રશંસકોથી સંપૂર્ણ રીતે ખીચોખીચ ભરાઈ ગયું હતું, જ્યાં મેક્સિકોએ દક્ષિણ આળિકાને ૨-૦થી હરાવ્યું હતું.આ ઓપનિંગ સેરેમનીનું સૌથી મોટું આકર્ષણ ગ્લોબલ પોપ સ્ટાર શકીરા રહી હતી. તેમણે પ્રખ્યાત આર્ટિસ્ટ બર્ના બોય સાથે ફિફા ૨૦૨૬ના સત્તાવાર ગીત ‘Dai Dai’ પર ધમાકેદાર લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. શકીરાએ નીઓન યેલો કલરના શાનદાર બોડીસૂટમાં પોતાના સિગ્નેચર ડાન્સ મૂવ્સથી સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા હતા. આ સમારોહમાં જે બાલ્વિન, ડેની ઓશન અને બેલિન્ડા જેવા દિગ્ગજ કલાકારોએ પણ પ્રસ્તુતિ આપી હતી, જ્યારે મેક્સિકન અભિનેત્રી સલમા હાયેકે ટૂર્નામેન્ટનું સત્તાવાર ઉદ્ઘાટન જાહેર કર્યું હતું.વર્લ્ડ કપના પહેલા જ દિવસે સૌથી મોટો વિવાદ સ્ટેડિયમની બહાર જાેવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રદર્શનકારીઓ મેક્સિકો સિટીની સડકો પર ઉતરી આવ્યા હતા.





