જંતર-મંતર પર વિરોધ બંધના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું “નરેન્દ્ર મોદી જંતર-મંતરથી આખરે કેમ ડરે છે? જંતર-મંતર કોઈ એક પક્ષનું નથી તેમણે પૂછ્યું કે આટલો મોટો ર્નિણય લેતા પહેલાં શું ભારતના લોકો સાથે કોઈ સલાહ લેવામાં આવી હતી? દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના કેન્દ્ર સમાન જંતર-મંતર અંગે એક મોટો અને ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જંતર-મંતરને સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી કાયમ માટે દૂર કર્યું છે. આ નવા આદેશને કારણે દેશભરના સામાજિક કાર્યકરો અને રાજકીય સંગઠનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
લાંબા સમયથી જંતર-મંતર ભારતના સામાન્ય નાગરિકો માટે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું એક મુખ્ય માધ્યમ રહ્યું છે. અચાનક લેવાયેલા આ ર્નિણય પર CJP ના પ્રવક્તા સૌરવ દાસે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ પગલાંને લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધ કરવાના નાગરિકોના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો ગણાવ્યો છે.
આ મુદ્દે ઇન્સ્ટાગ્રામ પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરતા સૌરવ દાસે કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલયની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સીધો જ પ્રશ્ન કર્યો છે કે, “નરેન્દ્ર મોદી જંતર-મંતરથી આખરે કેમ ડરે છે? જંતર-મંતર કોઈ એક પક્ષનું નથી, તે સમગ્ર ભારતના લોકોનું છે.”
તેમણે ગૃહ મંત્રાલયની પારદર્શિતા પર સવાલ કરતા પૂછ્યું કે આટલો મોટો ર્નિણય લેતા પહેલાં શું ભારતના લોકો સાથે કોઈ સલાહ લેવામાં આવી હતી? શું આ ર્નિણયમાં જાેડાયેલા કોઈપણ હિતધારકો કે સામાજિક સંગઠનો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો ખરો? આ પ્રકારનો એકતરફી ર્નિણય લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. પોતાની પોસ્ટમાં વધુ આકરા શબ્દોનો ઉપયોગ કરતા સૌરવ દાસે દેશના ભવિષ્ય અંગે ચેતવણી પણ આપી છે. તેમણે લખ્યું છે કે, “એ વાત રેકોર્ડ પર નોંધી લો કે જેમ આજે તેઓ લોકોના અધિકાર સમાન જંતર-મંતરને રદ કરી રહ્યા છે, તેવી જ રીતે વડા પ્રધાન ટૂંક સમયમાં ભારતમાં લોકશાહીને પણ રદ કરી દેશે.”
તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલું સરમુખત્યારશાહીની દિશામાં એક શરૂઆત માત્ર છે અને તેઓ આ મનસ્વી ર્નિણયને ક્યારેય સ્વીકારશે નહીં. લોકોના શાંતિપૂર્ણ રીતે ભેગા થવાના અને વિરોધ પ્રદર્શન કરવાના મૂળભૂત અધિકાર પરનો આ હુમલો સાંખી લેવાય તેમ નથી. તેમણે આહ્વાન કર્યું કે હવે આખો દેશ જ જંતર-મંતર બની રહ્યો છે.




