
ટ્રેલરમાં રિતિક રોશનના કેમિયોની પણ એક ઝલક મળી ‘આલ્ફા’નાં ટ્રેલરમાં આલિયા ભટ્ટ અને શર્વરીની ‘ડેડલી ગર્લ્સ’ તરીકે ઝલક મળી બોબી દેઓલનું પાત્ર ‘આલ્ફા’ નામના એક રહસ્યમય પ્રોગ્રામ સાથે જાેડાયેલું જાેવા મળે છે અને તે ભારત વિરુદ્ધ જતું હોવાના સંકેતો મળે છે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ સ્પાય આધારીત ફિલ્મ ‘આલ્ફા’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ અને શર્વરીની આ એક્શન થ્રિલર ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે, તેની ભવ્યતા, રહસ્ય અને હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રેલરમાં રિતિક રોશનના લોકપ્રિય સ્પાય કેરેક્ટર ‘કબીર’ના ખાસ કેમિયોની પણ હવે ખાતરી થઈ ગઈ છે. ટ્રેલરની શરૂઆત એક રહસ્યમય દૃશ્યથી થાય છે, જેમાં કાચની પેટીમાં એક નવજાત બાળક જાેવા મળે છે. બોબી દેઓલનું પાત્ર બાળકનું નામ ‘સીતા’ રાખતું જાેવા મળે છે, જે ફિલ્મની વાર્તા નસીબ, ઓળખ અને સંઘર્ષ સાથે જાેડાયેલી હોવાનો સંકેત આપે છે. ત્યારબાદ આલિયા ભટ્ટના વોઇસઓવર સાથે વાર્તા આગળ વધે છે. એક રાજકુમારીની કથા તરીકે રજૂ થયેલી આ સફરમાં બાળપણથી લઈને યુવાની સુધીના અનેક તબક્કાઓની ઝલક જાેવા મળે છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવેલી કઠોર તાલીમ, શિસ્ત અને તૈયારીઓ આલિયાના પાત્રને એક ખતરનાક અને શક્તિશાળી યોદ્ધા બનતી દર્શાવે છે.લગભગ સંપૂર્ણપણે એક્શનથી ભરપૂર ટ્રેલરમાં કાર ચેઝ, ગનફાઇટ્સ અને હાથોહાથની લડાઈ જેવા ભવ્ય દૃશ્યો જાેવા મળે છે. ટ્રેલરના સૌથી ચર્ચાસ્પદ સીનમાંથી એક આલિયા ભટ્ટ અને શર્વરી વચ્ચેની ટક્કર છે. જાેકે નિર્માતાઓએ શર્વરીના પાત્ર વિશે હજુ પણ રહસ્ય જાળવી રાખ્યું છે, જેના કારણે ચાહકોમાં તેની ભૂમિકા અંગે અનેક અટકળો ચાલી રહી છે.બોબી દેઓલનું પાત્ર ‘આલ્ફા’ નામના એક રહસ્યમય પ્રોગ્રામ સાથે જાેડાયેલું જાેવા મળે છે અને તે ભારત વિરુદ્ધ જતું હોવાના સંકેતો મળે છે. બીજી તરફ અનિલ કપૂર આલિયાના માર્ગદર્શક તરીકે દેખાય છે, જે કોઈ મોટા મિશન તરફ ઈશારો કરે છે.જાે કે ટ્રેલર ફિલ્મની અનેક એક્શન સિક્વન્સ દર્શાવે છે, પરંતુ નિર્માતાઓએ મુખ્ય પ્લોટને સંપૂર્ણપણે ગુપ્ત રાખ્યો છે. ટ્રેલરની સૌથી મોટી સરપ્રાઇઝ અંતિમ ક્ષણોમાં આવે છે, જ્યારે ‘વોર’ ફિલ્મના સુપરસ્પાય કબીર તરીકે રિતિક રોશનની ઝલક જાેવા મળે છે. આ ફિલ્મને “બે ખતરનાક યુવતીઓની ઓરિજિન સ્ટોરી” તરીકે રજૂ કરી કરવામાં આવી રહી છે. ભાવનાત્મક કથાવસ્તુ અને ભવ્ય એક્શન સિક્વન્સનું સંયોજન ધરાવતી ‘આલ્ફા’નું દિગ્દર્શન શિવ રાવેલે કર્યું છે, જ્યારે આદિત્ય ચોપરા ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





