૨૫૦ કરોડના નુકસાનનો દાવો થયો હતો કંગનાની ક્વીન ફૂલપાવર પર સ્ટેનો હાઈકોર્ટનો ઈનકાર ટાઈટલમાં ક્વીન શબ્દ અને મુખ્ય એકટ્રેસ સિવાય બંને ફિલ્મો વચ્ચે કોઈ સામ્ય નથી: હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટે કંગના રણૌત અભિનીત ફિલ્મ ‘ક્વીન ફુલ પાવર’ સામે વચગાળાનો મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યાે છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે આ ફિલ્મ ૨૦૧૪ માં આવેલી કંગનાની જ ફિલ્મ ‘ક્વીન’ સાથે કોઈ પ્રથમ દ્રષ્ટિએ કોઈ સમાનતા કે સામ્ય ધરાવતી નથી.બંને ફિલ્મોની વાર્તાઓ, પ્લોટ અને થીમ્સમાં કોઈ સામ્ય નથી તે નોંધતા હાઇકોર્ટે કહ્યું કે આગામી ફિલ્મ ૨૦૧૪ની ફિલ્મનો સિક્વલ કે રીબૂટ નથી.અગાઉ ફેન્ટમ સ્ટુડિયોએ ગત જુલાઈમાં જિયોસ્ટાર ઈન્ડિયા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં ‘ક્વીન’ની સીક્વલ કે પ્રીકવલ બનાવાય ત્યારે તેમાં બંનેનો ૫૦-૫૦ ટકા હિસ્સો હશે તેવો કરાર મૂળ ફિલ્મ વખતે થયો હતો. આ નવી ફિલ્મ માટે તેમણે કોઈ સંમતિ આપી નથી. ફેન્ટમ સ્ટુડિયોએ રીલિઝ સામે મનાઈ હુકમ તથા ૨૫૦ કરોડના નુકસાનનો દાવો કર્યાે હતો. બીજી તરફ જિયોસ્ટારે દાવો કર્યાે કે નવી ફિલ્મ ‘ક્વીન ફૂલ પાવર’ તદ્દન મૌલિક અને સ્વતંત્ર વાર્તા છે અને તેને મૂળ ફિલ્મ ‘ક્વીન’ સાથે કોઈ લેવાદેવા નથી.જાેકે, હાઈકોર્ટે ટાઈટલમાં ‘ક્વીન’ શબ્દ હોય અને એકટ્રેસ કોમન હોય તેથી ફિલ્મ દર્શકોના માનસમાં આ નવી ફિલ્મ મૂળ ફિલ્મની સીકવલ છે તેવી ધારણા ઉભી થશે તેવી ફેન્ટમ સ્ટુડિયોની દલીલ ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ સંદિપ માર્નેએ કહ્યું હતું કે ટાઈટલમાં ‘ક્વીન’ શબ્દ આવતો હોય તેવી અનેક ફિલ્મો અગાઉ બની ચૂકી છે.




