
પ્રવાસીઓ માટે નયનરમ્ય નજારો સાપુતારામાં વરસાદ સાથે મિની કાશ્મીર જેવો નજારો અંતરિયાળ સુબીર તાલુકામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર ડાંગ જિલ્લો ઠંડકનો અહેસાસ કરી રહ્યો છે દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ એવા ડાંગ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જાેવા મળ્યો છે. કાળઝાળ ગરમી અને બફારા બાદ મેઘરાજાએ ડાંગની ધરતી પર પધરામણી કરતા આખું ગિરિમથક સાપુતારા જાણે વાદળોની ચાદર ઓઢીને બેઠું હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સાપુતારા ઉપરાંત નીચે તળેટીના ભાગો અને અંતરિયાળ સુબીર તાલુકામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર ડાંગ જિલ્લો ઠંડકનો અહેસાસ કરી રહ્યો છે.
વરસાદના કારણે સાપુતારાના સનસેટ પોઇન્ટ, ગવર્નર હિલ અને લેક વ્યુ વિસ્તારમાં ભારે ધુમ્મસ (ફોગ) છવાઈ ગયું છે. વાદળો સાવ જમીનની નજીક ઉતરી આવ્યા હોય તેવો અનુભવ થતાં જ પ્રવાસીઓ ભારે રોમાંચિત થઈ ઉઠ્યા છે. ચાલુ અઠવાડિયે જ વરસાદી માહોલ જામતા સુરત, વલસાડ, નવસારી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓનો ઘોડાપૂર સાપુતારા તરફ વળવા માંડ્યો છે. લોકો આ આહલાદક વાતાવરણનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
બીજી તરફ, ડાંગના પર્વતીય વિસ્તારોમાં રહેતા હજારો આદિવાસી ખેડૂતો જેઓ મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી કરે છે, તેમના ચહેરા પર કુદરતી સ્મિત આવી ગયું છે. નાગલી, વરાઈ અને ડાંગર જેવા પાકોની વાવણી માટે આ વરસાદ ખૂબ જ કિંમતી સાબિત થશે. ખેડૂતોના મતે જાે આવો જ વરસાદી માહોલ આગામી બે-ત્રણ દિવસ ચાલુ રહેશે, તો ડાંગમાં હરિયાળી ક્રાંતિ સાથે કૃષિ કાર્યો વેગ પકડશે.





