અકવાન વાવાઝોડું ત્રાટકવાની શક્યતા બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ચક્રવાત સર્જાવાની શક્યતા ૧૩ અને ૧૪ નવેમ્બરે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
દેશમાં ફરી એકવાર ચક્રવાતી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં આગામી થોડા કલાકોમાં લો પ્રેશર ક્ષેત્ર સર્જાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાનારું આ હવામાન તંત્ર ૧૫ નવેમ્બર સુધીમાં વધુ મજબૂત બની શકે છે. જાે આ સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેનું નામ ‘અકવાન‘ રાખવામાં આવશે. આ નામ ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે.
હવામાનની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે. ચક્રવાત વધુ તીવ્ર બન્યા બાદ શ્રીલંકા તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની અસર દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જાેવા મળી શકે છે.
IMD ના બુલેટિન અનુસાર, ૧૩ અને ૧૪ નવેમ્બરે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ૧૫ અને ૧૬ નવેમ્બરે દક્ષિણ તમિલનાડુ, ડેલ્ટા જિલ્લાઓ તેમજ તિરુનેલવેલી અને કન્યાકુમારીના ઘાટ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ચક્રવાતી સિસ્ટમની અસરને કારણે દરિયામાં પવનની ગતિ અને મોજાંની ઊંચાઈ વધી શકે છે. દરિયાની સ્થિતિ અત્યંત ખરાબ થવાની આશંકા વચ્ચે માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે ૧૫ અને ૧૬ નવેમ્બરે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.
જે માછીમારો હાલમાં ઊંડા દરિયામાં છે તેમને શક્ય તેટલી વહેલી તકે દરિયાકિનારે પરત ફરવા જણાવાયું છે.
આ પ્રતિબંધની અસર માછીમારોની રોજીરોટી પર પણ પડી રહી છે. વેમ્બારથી પેરિયાથાઝાઈ સુધીનાં દરિયાકાંઠાનાં ગામોમાં માછીમારીની કામગીરી બંધ થઈ ગઈ છે. તૂતુકુડી ફિશિંગ હાર્બર અને આસપાસના દરિયાકિનારે ૨૭૦થી વધુ યાંત્રિક બોટ, ૨,૦૦૦ પરંપરાગત હોડીઓ અને ૫,૦૦૦ ફાઇબર બોટ ઊભી રાખવામાં આવી છે.
તાજેતરમાં આવેલા ચક્રવાત મુરાસુ બાદ માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. અગાઉ ચેન્નાઈના કાસિમેડુના નવ માછીમારોની હોડી દરિયામાં પલટી જતાં તેમના મોત થયા હતા.
હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિંતા વધી છે.
જાેકે, લો પ્રેશરનું ચક્રવાતમાં રૂપાંતર થશે કે નહીં અને તેની દિશા શું રહેશે તે અંગે હવામાન વિભાગની આગામી આગાહીઓ મહત્વપૂર્ણ રહેશે. માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓને સત્તાવાર હવામાન સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.




