
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં મોટાભાગની હોટલ- રેસ્ટોરન્ટોમાં ફ્રીમાં સ્વચ્છ પાણી આપવાનું જાણે કે બંધ કરી દેવાયું હોય એમ ફરજિયાત પણે ઠંડા પાણીની બોટલો બીલમાં એડ કરીને આપવામાં આવતી હોય છે. ત્યારે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેએ બુધવારે આદેશ બહાર પાડીને હોટલ-રેસ્ટોરન્ટ તથા ખાવા પીવાની આઈટમ વેચતા બધા જ ફૂડ જોઈન્ટસને કસ્ટમર્સ ને મફતમાં પીવાનું પાણી આપવા અને એ માટે કોઈ એકસ્ટ્રા ચાર્જ ન લેવા જણાવ્યું હતું. કસ્ટમર્સ પાસેથી પીવાના પાણીના અલગથી ચાર્જ વસૂલ કરવામાં આવતા હોવાની વાત ધ્યાનમાં લઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
આદેશમાં જણાવ્યું હતું કે “કસ્ટમર્સ ને સ્વચ્છ પીવાનું પાણી આપવો એ સંસ્થાની જવાબદારી છે. જો કસ્ટમર પેકેજડ કે બોટલ્ડ વોટર નો આગ્રહ કરે તો એનો ચાર્જ તેની પાસેથી વસુલી શકાય, પરંતુ જો તે પીવાનું સારું પાણી માંગે તો એ માટે તેની પાસેથી ચાર્જ વસૂલવો યોગ્ય નથી.”
FDA એ બુધવારે બહાર પાડેલા આદેશથી એટલુ તો ચોક્કસ છે કે હવે પહેલેથી જ પાણીની બોટલો ટેબલ પર મૂકીને એના પર ચાર્જ લગાવવાની ચાલાકી હવે નહીં ચાલે. એટલે કે હોટલ-રેસ્ટોરન્ટે કસ્ટમર્સને ફ્રીમાં જ સ્વચ્છ પાણી આપવું પડશે.





