(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
બિહારના એક સ્ટેશન પર બારીમાંથી મોબાઈલ ખૂંચવી લેવાની ચાલાકી કરવાનું એક ચોરને ભારે પડી ગયું હતું. ટ્રેન જસ્ટ શરૂ થવાની હતી ત્યારે જ એક મોબાઈલ ચોરે બારીમાં હાથ નાંખ્યો હતો. પરંતુ બારી પાસે બેઠેલા પેસેન્જરોએ સતર્કતા દાખવીને પેલાનો હાથ મોબાઇલ સુધી પહોંચ્યો એવો તરત જ પકડી લીધો હતો. બારીની બહાર ચોર હતો અને અંદરથી પેસેન્જરોએ તેનો હાથ પકડી લીધો અને એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં યુવક બારીની બહાર લટકી રહ્યો છે. તે વિનવણી કરે છે કે મારો હાથ પ્લીઝ છોડી દો, પણ પેસેન્જરો ટસના મસ નથી થતાં. ખગડિયા સ્ટેશન પરની આ ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે લોકોએ આ ચોરને લગભગ આઠ થી ૯ કિલોમીટર સુધી ટ્રેન સાથે લટકાવીને ખેંચ્યો હતો. અંદરથી પેસેન્જરોએ તેનો વિડીયો પણ બનાવ્યો અને એમાં તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. ચોરે પોતાનું નામ છોટુ યાદવ અને પિતાનું નામ પંકજ યાદવ જણાવ્યુ હતું. તે લખમિનિયા ગામનો હતો. તેણે પોતાના બચાવમાં કહ્યું હતું કે તે તો પોતાના કોઈ સબંધીને શોધી રહ્યો હતો. નજીકના બીજા સ્ટેશને પહોંચ્યા ત્યાં સુધી પેસેન્જરોએ તેનો હાથ પકડી રાખ્યો હતો. આ ઘટના ૯ જુલાઈની રાતની છે. એ પછી ચોરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.





