અતિ ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની તરાહ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, તેમ પ્રવક્તામંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ અને નવસારી જિલ્લામાં નોધાયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખી બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે.
વલસાડ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, ઘાસચારાની અછત દૂર કરવા કલેક્ટરને તાત્કાલિક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. અસરગ્રસ્તોને આ મહિનાથી જ રાશન સહાય આપવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ પ્રવક્તામંત્રીએ જણાવ્યું.
શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું કે, દોઢ- બે દિવસમાં એક સાથે આટલો વરસાદ પડી જાય એ અસાધારણ ઘટના છે. તેમણે કહ્યું કે કદાચ ભારતમાં આટલો ભારે વરસાદ બહુ ઓછા સ્થળોએ પડ્યો હશે અને આ કટોકટીની સ્થિતિમાં રાજ્ય સરકાર નાગરિકોની પડખે છે.
શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહિનાથી જ રાશન આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. મંત્રીશ્રીએ કહ્યું કે, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેતીઅને બાગાયતમાં જે નુકશાન થયું છે, તેનો સર્વે કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણ અનુસાર મદદ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે બાગાયતી પાકોમાં જે છોડ-વૃક્ષને નુકશાન થયું છે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવવા પ્રયાસ કરવામાં આવશે. પુર દરમિયાન એનજીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પત્રકારો અને સ્થાનિક નાગરિકોના સેવાભાવનાને મંત્રીશ્રીએ બિરદાવી હતી.
રાજ્ય સરકારે વલસાડ અને નવસારી જિલ્લાના નાગરિકોને વિશ્વાસ આપ્યો છે કે આ કુદરતી આપત્તિમાંથી ઝડપથી બહાર લાવવા માટે તમામ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને દરેક અસરગ્રસ્ત સુધી સહાય પહોંચાડવામાં આવશે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 18,000 લાભાર્થીઓને રૂ. 3.50 કરોડની કેશડોલ સહાય, રૂ. 9.50 કરોડની ઘરવખરી સહાય તથા મકાન સહાય સહિત વિવિધ પ્રકારની રાહત પહોંચાડવામાં આવી છે.
કૃષિ મંત્રીશ્રીએ આજે ઉમરગામ તાલુકાના મોહનગામ અને પારડીના તીઘરા ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યના નાણા સહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ,ખાદી,કુટીર અને ગ્રામ ઉદ્યોગ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બાગાયતી વૃક્ષોને શક્ય હોય ત્યાં સુધી બચાવવા વૈજ્ઞાનિક પદ્ધતિથી જતન કરવાની સૂચના આપવામાં આવી છે અને સર્વે દરમિયાન આવા વૃક્ષોને પણ યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવશે. એનજીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પત્રકારો અને સ્થાનિક નાગરિકોના સેવાભાવની રાજ્ય સરકારે પ્રશંસા કરી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારને પુનઃસ્થાપિત કરવા માટે સતત તેમની પડખે ઊભી રહેશે અને જરૂરિયાત મુજબ વધારાની સહાય અંગે પણ સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવશે. રાજ્ય સરકારે વલસાડ અને નવસારી જિલ્લાના નાગરિકોને વિશ્વાસ આપ્યો છે કે આ કુદરતી આપત્તિમાંથી ઝડપથી બહાર લાવવા માટે તમામ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને દરેક અસરગ્રસ્ત સુધી સહાય પહોંચાડવામાં આવશે.





