સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ PM પર ભરોસો છે પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જાેઈએ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના ૨૦૨૩ના કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતાની બનેલી ૩ સભ્યોની પસંદગી સમિતિનો બચાવ કર્યો છે.
કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પસંદગી પ્રક્રિયામાં પ્રધાનમંત્રીની ભૂમિકા પર “શંકા કરવાનું કોઈ કારણ નથી.” સરકારે દલીલ કરી હતી કે બંધારણીય અદાલતો એ ધારણા પર કામ કરી શકે નહીં કે સરકાર લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ કામ કરશે. પસંદગી સમિતિ પર સવાલ ઉઠાવવો એ સંસદની કાયદાકીય વિવેકબુદ્ધિ અને ચૂંટાયેલી સંસ્થાઓમાં મૂકેલા બંધારણીય વિશ્વાસ બંને પર શંકા કરવા સમાન છે.
સુપ્રીમ કોર્ટમાં સરકાર પક્ષે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રધાનમંત્રી પદની ગરિમા અને સંસદના અધિકારોનો પક્ષ રાખતા દલીલો કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સાથે એક પવિત્રતા જાેડાયેલી છે. જાે તેમના ર્નિણય પર વિશ્વાસ ન કરી શકાતો હોય, તો પછી એવી જાેગવાઈ પણ કેમ ન બનાવવી કે પોતાના કેબિનેટની પસંદગી કરતી વખતે પણ પ્રધાનમંત્રીએ કોઈ ભૂતપૂર્વ જજ કે બહારના વ્યક્તિની સલાહ લેવી પડશે?— તુષાર મહેતા, સોલિસિટર જનરલ
તુષાર મહેતાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, મારો સવાલ એ છે કે શું રાજ્યનું કોઈ એક અંગ (ન્યાયતંત્ર) એવી ધારણા બાંધી શકે કે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ ખરાબ દાનતથી કામ કરશે, લોકશાહીના હિતમાં કામ નહીં કરે અને બંધારણીય સિદ્ધાંતોના કલ્યાણ માટે કામ નહીં કરે, માત્ર એટલા માટે કે તેમની પાસે સંખ્યાત્મક બહુમતી છે?”
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ સમક્ષ આ સુનાવણી થઈ હતી. સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દો પ્રધાનમંત્રી પર અવિશ્વાસ કરવાનો નથી, પરંતુ ચૂંટણી પંચમાં નિમણૂકો પ્રત્યે જનતાનો વિશ્વાસ અને નિષ્પક્ષતા જાળવી રાખવાનો છે.
અમે પ્રધાનમંત્રી પર વિશ્વાસ કેમ ન કરીએ? ચોક્કસપણે, અમે પ્રધાનમંત્રી પર વિશ્વાસ રાખીશું જ. પરંતુ સવાલ અવિશ્વાસનો નથી, સંસ્થાકીય નિષ્પક્ષતાનો છે. ચૂંટણી કમિશનરો સ્વતંત્ર હોવા જાેઈએ. શું ત્યાં નિષ્પક્ષતા દેખાવી ન જાેઈએ? — જસ્ટિસ દીપાંકર દત્તા, સુપ્રીમ કોર્ટ
અટોર્ની જનરલ અને સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને આ મામલો ૫ કે તેથી વધુ જજાેની બંધારણીય બેંચ સમક્ષ મોકલવા વિનંતી કરી હતી.





