પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો મધ્ય પૂર્વના તણાવ અને યુરોપની વધતી માંગ વચ્ચે ભારતની ઇંધણ નિકાસ એક વર્ષની ટોચે વર્ષ ૨૦૧૭થી કેપ્લર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્યારથી જુલાઈ ૨૦૨૬નો આ આંકડો સૌથી ઊંચો નોંધાયો છે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ, યુરોપમાં વધતી ઇંધણની માંગ અને વૈશ્વિક પુરવઠામાં સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતના રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારતે ડીઝલ અને અન્ય રિફાઇન્ડ ઇંધણની નિકાસ છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચાડી છે, જે ભારતીય રિફાઇનિંગ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
શિપિંગ અને એનાલિટિક્સ ફર્મ કેપ્લરના આંકડા અનુસાર, જુલાઈ મહિનામાં ભારતે સરેરાશ દરરોજ ૧.૫૩ મિલિયન બેરલ રિફાઇન્ડ ઇંધણની નિકાસ કરી હતી. આ છેલ્લા ૧૨ મહિનાની સરેરાશની સરખામણીએ લગભગ ૨૭ ટકા વધુ છે. વર્ષ ૨૦૧૭થી કેપ્લર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્યારથી જુલાઈ ૨૦૨૬નો આ આંકડો સૌથી ઊંચો નોંધાયો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રશિયા દ્વારા ડીઝલની નિકાસ પર મૂકાયેલા પ્રતિબંધ બાદ વૈશ્વિક બજારમાં ડીઝલના ભાવ અને રિફાઇનિંગ માર્જિનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેનો સીધો લાભ ભારતીય રિફાઇનરીઓને મળ્યો છે. ભારતે વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે યુરોપ, બ્રાઝિલ અને અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં રિફાઇન્ડ ઇંધણની નિકાસ કરી છે. અહેવાલો મુજબ, યુરોપમાં આશરે ૪થી ૫ મિલિયન બેરલ અને બ્રાઝિલમાં લગભગ ૨.૮ મિલિયન બેરલ ઇંધણ મોકલવામાં આવ્યું હતું.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક ઇંધણ પુરવઠાની પરંપરાગત સાંકળોમાં વિક્ષેપ સર્જાયો છે. રશિયન રિફાઇનરીઓ પર થયેલા હુમલાઓ બાદ મોસ્કોએ કેટલાક પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ મર્યાદિત કરી છે, જેના કારણે વૈશ્વિક ખરીદદારો માટે ભારત એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.
કેપ્લરના મુખ્ય રિફાઇનિંગ વિશ્લેષક નિખિલ દુબેના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારમાં ઊંચા નફાકારક માર્જિન અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનરીઓએ નિકાસમાં વધારો કરવાની તકનો સફળતાપૂર્વક લાભ લીધો છે. ભારતીય કંપનીઓએ તેવા બજારોમાં પણ સપ્લાય વધાર્યો છે, જ્યાં અગાઉ પશ્ચિમ એશિયા અને રશિયાનો દબદબો હતો.
વિશ્લેષકોનું માનવું છે કે જાે મધ્ય પૂર્વમાં તણાવ યથાવત રહેશે અને યુરોપમાં માંગ મજબૂત રહેશે તો આગામી મહિનાઓમાં પણ ભારતીય રિફાઇનિંગ કંપનીઓને નિકાસમાંથી સારો લાભ મળી શકે છે. જાેકે, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, ભૂરાજકીય સ્થિતિ અને વૈશ્વિક વેપાર નીતિઓમાં થતા ફેરફારો પર આગામી સમયગાળાની સ્થિતિ ર્નિભર રહેશે.
ભારત માટે આ વૃદ્ધિ માત્ર નિકાસમાં વધારો જ નહીં પરંતુ વૈશ્વિક ઊર્જા બજારમાં તેની વધતી ભૂમિકા અને રિફાઇનિંગ ક્ષમતાનું પણ પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.





