૩૨થી વધુ જિલ્લામાં પાણીની ભારે અછત મહારાષ્ટ્ર સરકારે ૩૫૮માંથી ૨૬૫ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર સરકાર પાક લોન પુનર્ગઠન, જમીન મહેસૂલમાં રાહત અને વીજળી બિલમાં છૂટ જેવા રાહત પગલાં અમલમાં મૂકશે
મહારાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર હવે સ્પષ્ટ જાેવા મળી રહી છે. રાજ્ય સરકારે ૩૫૮માંથી ૨૬૫ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જે રાજ્યના આશરે ૭૪ ટકા વિસ્તારને આવરી લે છે. વરસાદની અછતને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારના આ ર્નિણય બાદ અસરગ્રસ્ત ખેડૂતો માટે વિવિધ રાહત પગલાં અમલમાં મૂકવામાં આવશે.
મહારાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ રાજ્યમાં વરસાદની અછતને કારણે અનેક વિસ્તારોમાં પાણી અને ખેતી સંબંધિત સંકટ ઊભું થયું છે. કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદ ન પડતાં ઉભા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને સોયાબીન, કપાસ અને અન્ય ખરીફ પાકને અસર થઈ છે. વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. યવતમાળ, જલગાંવ, અહિલ્યાનગર, નાંદેડ, અમરાવતી અને નાગપુર સહિતના જિલ્લાઓના અનેક તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ર્નિણય હેઠળ કુલ ૨૬૫ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકારે પાક લોનનું પુનર્ગઠન, જમીન મહેસૂલમાં રાહત અને કૃષિ સંબંધિત લોનની વસૂલાત મોકૂફ રાખવા જેવા પગલાં જાહેર કર્યા છે. ખેતીના પંપના વીજળી બિલમાં રાહત અને વીજ જાેડાણ નહીં કાપવાની જાેગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં રાહત, રોજગાર ગેરંટી યોજના હેઠળ વધુ કામ શરૂ કરવું, જરૂરિયાત મુજબ પીવાના પાણી માટે ટેન્કર પહોંચાડવા અને પશુઓ માટે ચારા-પાણીની વ્યવસ્થા કરવા જેવા પગલાં પણ જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવા પંચનામાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવાનો ર્નિણય લીધો છે. પાક નુકસાનની તસવીરો અને અન્ય ડેટા એકત્રિત કરીને આગળની રાહત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. લાતૂર અને ધારાશિવ જેવા વિસ્તારોમાં તેમણે નુકસાનગ્રસ્ત પાક અને પાણીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ર્નિણયથી મહારાષ્ટ્રના વરસાદની અછતથી અસરગ્રસ્ત ૨૬૫ તાલુકાઓમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારો માટે તાત્કાલિક રાહત પહોંચાડવાનો માર્ગ ખુલ્યો છે.




