બે વિન્ડો હોવા છતાં મુસાફરો હેરાન ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વેશનની મર્યાદિત સુવિધા નોકરિયાત અને વડીલોને મુશ્કેલી પડતા, બંને વિન્ડો પર રિઝર્વેશન સેવા વધારવાની માંગ ઉઠી છે અમદાવાદના ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વેશનની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ટિકિટ લેવા આવતા પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્ટેશન પર બે બુકિંગ વિન્ડો ઉપલબ્ધ હોવા છતાં આરક્ષણનું કામ માત્ર વિન્ડો નંબર-૧ પરથી જ કરવામાં આવે છે, જ્યારે વિન્ડો નંબર-૨ પર રિઝર્વેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી.
હાલની વ્યવસ્થા મુજબ ચાંદખેડા રોડ સ્ટેશન પર રિઝર્વેશનની કામગીરી સવારે ૮થી ૧૧.૩૦ વાગ્યા સુધી અને બપોરે ૨.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી કરવામાં આવે છે. એટલે કે દિવસમાં કુલ આશરે ૬ કલાક ૩૦ મિનિટ જ આરક્ષણ સેવા મળે છે. બીજી તરફ સ્ટેશન પર બે બુકિંગ કર્મચારીઓ સવારે ૬થી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી બ્રોકન શિફ્ટમાં ફરજ બજાવે છે.
રિઝર્વેશનનો સમય મર્યાદિત હોવાથી સવારે વહેલા અથવા સાંજના સમયે ટિકિટ માટે આવતા પેસેન્જરોને રિઝર્વેશન કરાવી શકતા નથી.
ખાસ કરીને નોકરી કરતા લોકો, વરિષ્ઠ નાગરિકો અને દૂરના વિસ્તારોમાંથી સ્ટેશન પર આવતા પેસેન્જરો માટે આ વ્યવસ્થા મુશ્કેલીરૂપ બની રહી છે.
પેસેન્જરોનું કહેવું છે કે જ્યારે સ્ટેશન પર બે બુકિંગ વિન્ડો અને બે કર્મચારી ઉપલબ્ધ છે ત્યારે બંને વિન્ડોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરીને રિઝર્વેશન સેવાનો સમય વધારવો જાેઈએ.
ચાંદખેડા રોડ સ્ટેશન પર રિઝર્વેશનની સુવિધા વધુ સમય માટે ઉપલબ્ધ કરવામાં આવે તો પેસેન્જરોને અન્ય સ્ટેશન સુધી જવાની અથવા લાંબા સમય સુધી રાહ જાેવાની જરૂરિયાત ઘટી શકે છે.
પેસેન્જરોની માગ છે કે સ્ટેશન પર ઉપલબ્ધ બુકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફનો યોગ્ય ઉપયોગ થાય અને રિઝર્વેશનની સુવિધાનો સમય વધારવામાં આવે. ખાસ કરીને વિન્ડો નંબર-૨ને પણ આરક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે, જેથી એક જ વિન્ડો પર પેસેન્જરોની ભીડ ન થાય અને ટિકિટ બુકિંગની કામગીરી વધુ સરળ બની શકે.




