ઇરાનની જવાબી ધમકી અને તેલ પુરવઠા પર સંકટ હોર્મુઝમાંથી પસાર થતા જહાજાેને અમેરિકાની ધમકી ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું અમેરિકા અને ઇરાન વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘ (Strait of Hormuz)ને લઈને તણાવ વધુ ઘેરો બન્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા વિશ્વભરના જહાજાે અને શિપિંગ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત બાબતોમાં કોઈપણ ઇરાની સંગઠનો સાથે માહિતી શેર કરશે, તો તેમની સામે કડક અમેરિકી પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકી તંત્ર અનુસાર, ઇરાની સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવા બદલ જહાજાે પર સેન્ક્શનનો મોટો ખતરો રહેશે, ભલે તેના બદલે કોઈ નાણાકીય લેવડ-દેવડ કે ચૂકવણી કરવામાં ન આવી હોય.
વોશિંગ્ટને પોતાના આકરા વલણમાં ખાસ કરીને ૩ ઇરાની સંસ્થાઓના નામ જાહેર કર્યા છે, જેમાં ‘પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી‘, ‘પર્શિયન ગલ્ફ મરીન ઇન્સ્યોરન્સ કંપની‘ અને ‘હોર્મુઝસેફ મરીન સર્વિસિસ ઓથોરિટી‘ નો સમાવેશ થાય છે. અમેરિકાની આ આકરી ચેતવણી તેની ‘ઇકોનોમિક ડી-ડે‘ ઝુંબેશનો એક ભાગ છે, જેના હેઠળ વોશિંગ્ટન ઇરાન પર આર્થિક દબાણ વધારીને તેના વૈશ્વિક કારોબાર અને નાણાકીય સંસાધનોને મર્યાદિત કરવા માંગે છે. અગાઉ પણ અમેરિકાએ આ સમુદ્રી માર્ગ પરથી પસાર થવા માટે ઇરાનને કોઈપણ પ્રકારનો ટોલ કે ચાર્જ ચૂકવવા સામે આંતરરાષ્ટ્રીય જહાજાેને ચેતવ્યા હતા.
સામે પક્ષે ઇરાને આ પગલાને ‘આર્થિક આતંકવાદ‘ ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે. ઇરાની સંસ્થાઓએ દાવો કર્યો છે કે ૪૬ જહાજાેએ તેમના ટ્રાન્ઝિટ પ્રોટોકોલનો ભંગ કર્યો છે અને તેમને ભવિષ્યમાં ભારે દંડ, કસ્ટડી કે જપ્તી જેવી આકરી કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. આ બંને દેશો વચ્ચેના ટકરાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજાેની અવરજવરમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને એલએનજી (LNG) સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ સર્જાઈ છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ સુરક્ષા પર મોટું સંકટ ઊભું થયું છે.





